News of Thursday, 14th December 2017
નવી દિલ્હી તા. ૧૪ : ભાજપના વડપણવાળી NDA સરકાર માહિતીના અધિકારના પ્રચાર-પ્રસાર માટે કેટલી ગંભીર છે તે વિશે ચોંકાવનારી હકીકત સામે આવી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા માહિતીના અધિકારના પ્રચાર-પ્રસાર માટે ફાળવાતા ફંડની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની નીતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તમને જાણીને નવાઈ થશે કે RTIના પ્રચાર-પ્રસાર માટે વર્ષ ૨૦૧૩-૧૪માં જયાં ૧૮ કરોડ રુપિયાનો ફંડ ફાળવાયો હતો ત્યાં જ વર્ષ ૨૦૧૬-૧૭માં આ ફંડ ઘટીને ૫.૮૨ કરોડ રુ. થઈ ગયો છે.
નોંધનીય છે કે રાજયોની માગણીને આધારે કેન્દ્ર સરકાર દ્વારા માહિતીના અધિકાર અંગે જાગૃતિ અને તાલીમાર્થે ફંડ ફાળવવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતને છેલ્લા બે વર્ષમાં માહિતીના અધિકારના પ્રચાર-પ્રસાર માટે એક રુપિયો પણ ફાળવાયો નથી. આ તમામ વિગતો અમદાવાદ શહેરના એક RTI એકિટવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાને તેમની RTI અરજીના જવાબ તરીકે આપવામાં આવી છે.
જાડેજાએ કહ્યું કે, 'ફંડમાં આ પ્રકારે થયેલા ઘટાડાથી સ્પષ્ટ છે કે સરકાર તેમને ખુલ્લા પાડી શકે તેવા આ કાયદા અંગે લોકો જાગૃત થાય તેવું ઈચ્છતી જ નથી. આ અંગે રાજય સરકારને પણ કોઈ ફીકર હોય તેવું લાગતું નથી કારણ કે તેમણે કેન્દ્ર સમક્ષ ફંડની માગણી કરવાની હોય છે.' આ હકીકત વિરુદ્ઘ ગુજરાતના પાડોશી રાજય મહારાષ્ટ્રને આ હેતુ માટે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૫૫ લાખ રૂ. મળ્યા છે. ઘણા RTI એકિટવિસ્ટ્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે તેમની અરજીઓનો નિયત સમયમાં જવાબ અપાતો નથી તેમજ અરજીઓ પણ દબાવી દેવામાં આવે છે.
RTI એકિટવિસ્ટ ભરતસિંહ ઝાલાએ કહ્યું હતું કે, 'રાજય સરકાર RTIના કાયદાને લાગુ કરાવવામાં બિલકુલ નિષ્ફળ નિવડી છે. મેં જયારે CM અને અન્ય મંત્રીઓના પગાર અને અન્ય લાભોની માહિતી માગી ત્યારે આ માહિતી આપવાનો ઈનકાર કરી દેવાયો હતો જો કે વર્ષ ૨૦૦૨ના ઠરાવ પ્રમાણે આ માહિતી જાહેર કરવી જોઈએ.(૨૧.૭)