Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સેબીનો અનુરોધઃ IPOની પ્રાઇસ યોગ્ય રાખોઃ રીટેલ ઇન્વેસ્ટરોની સહભાગિતા વધવી જોઇએ

મુંબઇ તા. ૧૪ :.. મુડી બજારના નિયમનકાર સેબીના ચેરમેન અજય ત્યાગીએ આ વરસે આઇપીઓની કામગીરીથી સંતોષ દર્શાવ્યો છે. અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સને આઇપીઓની પ્રાઇસ માટે યોગ્ય વલણ અપનાવવાનો અનુરોધ કર્યો છે. સેબી ઇચ્છે છે કે રીટેલ સહભાગીતા સતત વધતી રહે, આ માટે આઇપીઓનું યોગ્ય પ્રાઇસિંગ જરૂરી છે. આ વરસે આઇપીઓ મારફત ઉભા કરવામાં આવેલા નાણા છેલ્લા છ વરસમાં સૌથી વધુ હોવાનો સંતોષ વ્યકત કરતાં તેમણે કહ્યું હતું કે પારદર્શકતા અને નિયમનકારી માળખું આમાં સહાયરૂપ બને છે. ત્યાગીના જણાવ્યા અનુસાર ર૦૧૮ માં આશરે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના આઇપીઓ કતારમાં છે, જે માટે બેન્કર્સે સારી પ્રાઇસિંગ નીતિ અપનાવવી જોઇએ.

લીસ્ટિંગનો સમય ઘટશે

અમુક વીમા કંપનીઓના કેસમાં લિસ્ટિંગ બાદ નીચા ગયેલા ભાવને ધ્યાનમાં રાખી સેબીએ બેન્કર્સને કહ્યું છે કે તેઓ સરકારને રાઇટ પ્રાઇસની ભલામણ કરે એ સમયની જરૂરીયાત છે. તેમણે ઉમેર્યુ હતું કે સેબી આઇપીઓના લિસ્ટિંગનો સમય હાલના છ દિવસથી ઘટાડી ચાર દિવસ કરવા પણ વિચારે છે.

પબ્લિક શેરહોલ્ડિંગ

ત્યાગીએ સરકારને જાહેર સાહસોમાં પબ્લીક શેર હોલ્ડિંગ વધારવા જણાવ્યું છે. અત્યારે ર૭ જાહેર સાહસોમાં સરકારનું હોલ્ડિંગ ૭પ ટકાથી વધુ છે. જયારે કે પબ્લિક હોલ્ડિંગ રપ ટકા મિનીયમ હોવું જોઇએ. આમ કરવા માટે સેબીએ સરકારને ઓગસ્ટ-ર૦૧૮ સુધીનો સમય આપ્યો છે.

મ્યુચ્યુઅલ ફન્ડ પર ખાસ દેખરેખ

સેબીએ મ્યુચ્યુઅલ ફન્ડની કામગીરીથી પણ સંતોષ વ્યકત કર્યો છે, પણ મ્યુચ્યુઅલ ફન્ડસ પર દેખરેખ રાખવા ખાસ ડીવીઝન ઉભું કર્યુ છે.

(9:27 am IST)