Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે બેઠકોનો દોર યથાવત

કોંગ્રેસ, શિવસેના અને એનસીપી નેતાઓની બેઠક : લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ તૈયાર કરવાને લઇને સંમતિ થઇ

મુંબઈ, તા. ૧૪ : મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને છેલ્લા કેટલાક દિવસથી વાતચીતનો સિલસિલો ચાલી રહ્યો છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં આખરે સહમતિ  થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ત્રણેય પાર્ટીઓએ આજે સરકાર માટે લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમને લઇને મુંબઈમાં ચર્ચા કરી હતી. આ બેઠકને લઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડટીવારે કહ્યું હતું કે, બેઠકમાં ત્રણેય પાર્ટીઓના નેતાઓએ કાર્યક્રમના મુસદ્દાને લઇને ચર્ચા વિચારણા કરી હતી. આ મુસદ્દાને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાસે મોકલી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધીની મંજુરી મળતા રાજ્યમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસની સરકારનો હિસ્સો બનશે.

તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા રાજ્યસ્તરીય નેતાઓની એક કાર્યક્રમ નક્કી કરવા બેઠખ યોજી હતી. ત્રણેય પાર્ટીઓના નેતાઓએ ખુલ્લા દિલથી બેઠકમાં હાજરી આપી હતી. મુસદ્દાને આખરી ઓપ આપવા માટે કોઇપણ પ્રકારની તકલીફ નડી ન હતી. રાજ્યની પ્રજા અને ખેડૂતોના હિતમાં વહેલીતકે નિર્ણય લેવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. ૧૭મી અને ૨૦મી નવેમ્બરની વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના થઇ શકે છે. એનસીપીના સુત્રોનું કહેવું છે કે, પાર્ટી વડા શરદ પવાર ૧૬મી નવેમ્બરના દિવસે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી શકે છે જેના આધાર પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવાનો ભાજપે ઇન્કાર કરી દીધા બાદથી મડાગાંઠની સ્થિતિ રહેલી છે. શિવસેનાના જિદ્દી વલણના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેના સંબંધો હવે ખરાબ થઇ ચુક્યા છે.

(9:32 pm IST)