Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રાફેલ મામલે સુપ્રીમકોર્ટના ચુકાદાએ તપાસના નવા દરવાજા ખોલ્યા :તપાસ શરૂ થવી જોઈએ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યુ, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જોસેફે રાફેલ સ્કેમ કેસમાં તપાસના નવા દરવાજા ખોલી દીધા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના રાફેલ ડીલ કેસમાં તપાસની માંગ કરતી પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે કેસ ખતમ નથી થયો પરંતુ ચુકાદાએ તપાસ માટેના નવા દરવાજા ખોલી દીધા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચુકાદામાં જસ્ટીસ જોસેફની કમેન્ટને ટ્વિટ કરીને આ વાત કહી છે. રાફેલ  કેસ પર રાહુલ ગાંધી ઘણા આગળ રહ્યા છે, તે સતત કહેતા રહ્યા છે કે આ ડીલમાં પીએમ  મોદીએ પદનો ખોટો ઉપયોગ કરીને ખાનગી કંપનીને લાભ અપાવ્યો છે માટે કેસની તપાસ થવી જોઈએ

   રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યુ, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જોસેફે રાફેલ સ્કેમ કેસમાં તપાસના નવા દરવાજા ખોલી દીધા છે. હવે સંપૂર્ણપણે એક નવી તપાસ શરૂ થવી જોઈએ. કેસની તપાસ માટે એક જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની રચના થવી જોઈએ. રાહુલે ચુકાદાના એ હિસ્સાને પણ ટ્વિટર પર શેર કર્યો છે જેમાં ચુકાદો આપનાર ત્રણ જજોની બેન્ચનો હિસ્સો જસ્ટીસ જોસેફે લખ્યો છે કે તપાસ એજન્સીઓ ખુદ આ કેસની તપાસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ કેસમાં તપાસની માંગ કરતી પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવીને સીબીઆઈ તપાસના આદેશ આપવાનો પણ ઈનકાર કરી દીધો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ કેએમ જોસેફની બેન્ચે 14 ડિસેમ્બર 2018ના રોજ સંભળાવેલા ચુકાદાને જાળવી રાખ્યો. અદાલતે કહ્યુ કે અમને આ કેસમાં એફઆઈઆરનો આદેશ આપવા કે તપાસ બેસાડવાની જરૂર લાગતી નથી.

   સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે ચુકાદામાં રાફેલ ડીલને નક્કી પ્રક્રિયા ગણાવીને કેન્દ્ર સરકારને રાહત આપી હતી. આના પર વકીલ પ્રશાંત ભૂષણ, પૂર્વ મંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરી સહિત અન્યએ રાફેલ ડીલ કેસમાં તપાસની માંગ કરીને અરજી ફગાવી દીધી હતી. અરજીકર્તાઓનુ કહેવુ હતુ કે સુપ્રીમ કોર્ટનો 14 ડિસેમ્બરનો ચુકાદો ફગાવી દેવામાં આવે અને રાફેલ ડીલની સુપ્રીમ કોર્ટની મોનિટરીંગ હેઠળ તપાસ કરાવવામાં આવે. પ્રશાંત ભૂષણે અદાલતમાં કહ્યુ કે કેન્દ્ર સરકારે ઘણી વાતો કોર્ટમાં છૂપાવી. પહેલી નજરમાં કેસ સંજ્ઞેય ગુનાનો બને છે અને એવામાં સુપ્રીમ કોર્ટ જૂનુ જજમેન્ટ કહે છે કે સંજ્ઞેય ગુનામાં કેસ નોંધાવો જોઈએ. એવામાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં તપાસનો આદેશ આપવો જોઈએ.

(8:57 pm IST)