Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વર્ડ ડાયાબીટીસ ડે

ઘારાને રૂઝાવવામાં ડ્રેસિંગનું મહત્‍વ

સામાન્‍ય માણસોને પણ ખ્‍યાલ હોય છે કે કોઇપણ ઘારાંને જંતુનાશક દવાથી સાફ કરવામાં અવે છે. પરંતુ ડ્રેસીંગ એ એક મોટું વિજ્ઞાન છે અને અનેક પ્રકારનાં નવા-નવ વૈજ્ઞાનિક દવાઓવાળા ડ્રેસિંગ ઉપલબ્‍ધ છે અને ડ્રેસીંગમાં વપરાતી દવાઓની કામ કરવાની પધ્‍ધતિ પણ જુદી જુદી હોય છે અને જુદા જુદા સમય સુધી અસર રહેતી હોય છે.

(A) એન્‍ટિસેપ્‍ટીક દવાઓ : (જંતુનાશક દવાઓ)

શરીરના કોઇપણ ભાગ ઉપર લગાવવા માટેની જંતુનાશક દવાઓને એન્‍ટિસેપ્‍ટીક કહેવામાં આવે છે. આંખમાં ટીપાના સ્‍વરૂપે, મોઢામાં પ્રવાહી સ્‍વરૂપે તથા ચામડી પર પ્રવાહી, પાઉડર, મલમ કે ખાસ જાતની ગાદી સ્‍વરૂપે મળે છે.

જયારે એન્‍ટિબાયોટિક દવાઓ ખાઇ શકાય છે, ઇન્‍જેકશન દ્વારા પણ દઇ શકાય છે અને ચામડી ઉપર લગાડી પણ શકાય છે.

બંને દવાઓ જંતુને મારવાનું જ કામ કરે છે પણપ એન્‍ટિબાયોટીક દવાઓને કામ કરવા માટે શરીરની પોતાની તાકાત પણ જરૂરી હોય છે. જયારે એન્‍ટિસેપ્‍ટીક દવાઓ  પોતાની મેળે જ જંતુઓને મારે છે.

(B) રસી ચૂસતી દવાઓવાળુ ડ્રેસિંગ

સામાન્‍ય રીતે ડ્રેસીંગમાં રૂ કે કપડાની ગાદી રસી કે પ્રવાહી ચૂસવા માટે મુકવામાં આવે છે. પરંતુ હવે નવી જાતનાં ડ્રેસીંગ મળે છે જે પ્રવાહી ચુસીને પોતાની અંદર સંગ્રહી રાખે છે. બહારથી પાટો બગડતો નથી અને પુરતા ભેજવાળું વાતાવરણ ઘાવને આપતું રહે છે. જુની જાતનાં ડ્રેસિંગ રોજ અથવા એકાંતરે બદલવા પડતા હતા, જયારે હવે આ પ્રકારના નવા ડ્રેસીંગ પ-૭ દિવસ ન બદલે તો પણ ચાલે છે. તેમાં સોફા, સ્‍કુટરની સીટમાં જે સ્‍પોન્‍જ વપરાય છે તેવું ઉતમ પ્રકારનું મેડિકલ વપરાશનું ફોમ વપરાય છે.

રસી અથવા પ્રવાહી ચુસવા માટે ઘણાં પ્રકારનાં જુદા જુદા ડ્રેસીંગ મળે છે.

આ જાતના રસી ચુસે તેવા ડ્રેસિંગની અંદર પણ એન્‍ટિસેપ્‍ટીક દવાઓ ભેળવીને ખાસ જાતનાં ડ્રેસીંગ બનાવવામાં આવે છે. જે રસી ચૂસવા ઉપરાંત પ-૭ દિવસ સુધી જંતુ મારવાનું કામ પણ કરે છે.

(C) પીળો ખરાબો છૂટો પાડવા માટેનાં ડ્રેસિંગ

ડોકટરો ડ્રેસિંગ કરે ત્‍યારે ખાસ જાતના સાધનની મદદથી ઘારાં ઉપર ચોટેલી પીળાશ કે ખરાબો ઘસી-ઘસીને સાફ કરે છે. પણ કયારેક દર્દીને બહુ દુખતું હોય છે અને પીળું દેખાતું ધારૂં લાલ ન થાય ત્‍યાં સુધી ઘસીને સાફ કરવા દેતા નથી. આવા દર્દીઓમાં ઘારાં ઉપર ચોંટેલા ખરાબ માંસ, પીળાશ કે કડક થઇ ગયેલી મરેલી ચામડીને છૂટી પાડવા માટે ખાસ દવાઓ આવે છે જે દવાઓ લગાડીને ડ્રેસિંગ કરવાથી ઘારા પર રહેલી ખરાબ વસ્‍તુને ઓગાળી કાઢે છે અને જયારે ડ્રેસિંગ ખોલીએ ત્‍યારે તે રસીના સ્‍વરૂપમાં બહાર નીકળી જાય છે અને ઘારૂં લાલ તથા તંદુરસ્‍ત થતું દેખાય છે.

(D) રૂઝ વહેલી આવવા માટેની દવાઓઃ

દરેક ધારામાં એન્‍ટિસેપ્‍ટીક દવાઓ લગાડવાની જરૂર હોતી નથી. ઘારૂં મોટું હોય અને ચામડી આવતાં વાર ન લાગે તે માટે જુદા-જુદા પ્રકારની ઘણી દવાઓ ઉપલબ્‍ધ છે. પ્રોટીન તત્‍વ રૂઝાવવા માટે ખૂબ ઉપયોગી છે. પ્રોટીન તત્‍વવાળી ડ્રેસિંગની દવા પણ બજારમાં ઉપલબ્‍ધ છે. દા.ત.કોલેજન ડ્રેસિંગ, જે પાઉડર, ટીકડી કે મલમના સ્‍વરૂપમાં મળે છે.

 ખાસ જાતનાં બહુ મોંઘા મલમ આવે છે જેમાં લોહીમાં રહેલા ત્રાકકણો (પ્‍લેટલેટસ)માંથી ઉત્‍પન્‍ન થતા પ્રોટીન તત્‍વના અમુક પદાર્થો મલમના સ્‍વરૂપમાં ઘાવ પર લગાડવામાં આવે છે. જે ઘારામાં લાલાશ તથા નવા કોષો જલદી આવે તેવું કામ કરે છે. આ મલમ લેબોરેટરીમાં બનાવવામાં આવે છે, જેને ફ્રીજમાં ઠંડો રાખવો પડે છે, નહિતર ખરાબ થઇ જાય છે.

દર્દીનું લોહી થોડી માત્રામાં લઇ તેમાંથી ત્રાકકણોવાળું સફેદ લોહી છૂટું પાડી તે જ દર્દીને ઘારાંની અંદર તથા ઘારાંની આજુબાજુ ઇન્‍જેકશનના સ્‍વરૂપમાં આપવાથી રૂઝાવાની પ્રક્રિયા ખૂબ સારી થાય છે.

(E) ઘાવની દુર્ગધ દૂર કરવા માટેનું ડ્રેસિંગઃ

કયારેક ઘાવમાંથી અતિશય દુગઁધ આવતી હોય છે. આવા ઘાવનું ડ્રેસિંગ અમુક જાતની દવાઓથી કરવાથી થોડા સમયમાં દુર્ગધ દૂર થઇ જાય છે. દુર્ગધ દૂર કરવા માટે મેટ્રોજીલ કે ચારકોલ પાઉડર (કોલસાનો પાઉડર) બહુ અકસીર ઉપાય છે પરંતુ દુર્ગધનું મુખ્‍ય કારણ જંતુઓ છે. જંતુનાશક દવાઓ પણ સાથે સાથે વાપરવી પડે છે તે ઉપરાંત ડ્રેસિંગ જરૂર લાગે તો દિવસમાં બે વાર બદલવું પડે છે.

એક રસી ચુસવાના મશીન દ્વારા દુર્ગધ દૂર કરી શકાય છે. (વેકયુમ મશીન)તેની અંદર ખાસ જાતના ડ્રેસિંગ મટીરિયલ્‍સથી ઘાવને હવાચુસ્‍ત કરી દેવામાં આવે છે અને તેને એક નળી દ્વારા એક મશીન સાથે જોડવામાં આવે છે. આ મશીન સતત ઘાવમાંથી રસી, પાણી તથા દુર્ગધને દૂર કરે છે અને ઘાવને રૂઝાવવામાં મદદ કરે છે.

(F) ઘારામાં જયારે મોટા કીડા પડી ગયા હોય ત્‍યારે કરવાનું ડ્રેસિંગ

કયારેક ઘારાં ઉપર માખી બેસતી હોય તેમાંની ઇયળ બને છે જેને મેગટ (Maggot) કહે છે. ગટરમાં ખદબદતી ઇયળ જેવી જ આ ઇયળ હોય છે. તે ખરેખર ઘારામાં રહેલું મરેલુ માસ તથા રસી ખાવાનું કામ કરે છે. સામાન્‍ય રીતે તે તંદુરસ્‍ત ચામડી કે માંસ ખાતી નથી, પરંતુ અમુક જાતની માખીની ઇયળ તંદુરસ્‍ત ભાગને પણ નુકશાન કરે છે. આ ઇયળને કઢવા માટે ટર્પેન્‍ટાઇન નામની દવા ઉપયોગી છે.

તે કીડાને બહાર કાઢવાનું તથા મારવાનું કામ કરે છે. તે ઉપરાંત હાઇટ્રોજન પેરોકસાઇડ નામની દવા પણ માખીની ઇયળને મારી બહાર કાઢવાનું કામ કરે છે. આ ઇયળ નાની નાની એવીગુફા બનાવે છે કે તેને શોધવી પણ અઘરી પડે છે અને કયારેક કયારેક ઉઁડી ઊંડી બખોલમાં તે જોવા મળે છે.

આપણને આヘર્ય થાય છે કે જે માખીના કીડાને આપણે કાઢવાની વાત કરીએ છીએ તે જ માખીના કીડા પરદેશમાં ઘાવને રૂઝાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ફરક એટલો છે કે ખાસ પ્રકારની માખીની જાતના કીડાનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે, તે જંતુમુકત કરેલી પરિસ્‍થિતીમાં મળે છે અને અશુધ્‍ધિવાળા ઘારા પર તે બે-ત્રણ દિવસ લગાડવાથી  બધી અશુદ્ધિ દૂર કરી ઘારાને એકદમ તંદુરસત બનાવી દે છે. આવી ઇયળ ભારત દેશમાં મળતી નથી. સુગ ચડે તેવી આ સારવાર કેટલાક દર્દીઓ માટે આર્શીવાદરૂપ હોય છે.

ડો. વિભાકર વછરાજાની

ડો. પાયલ ખખ્‍ખર

રાજકોટ

 

(4:45 pm IST)