Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પાકિસ્તાનના અનેક શહેરોમાં તીડનું આક્રમણ

ટમેટાના ભાવ આસમાને પહોંચતા સિંધના પ્રધાને તીડની બીરીયાની ખાવાની સલાહ આપીઃ લોકોએ સ્વીકારીઃ તીડને નાથવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું: ભારતે સફળતાપૂર્વક રાજસ્થાનમાં તીડ આક્રમણ રોકી લીધુઃ પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા

જોધપુરઃ જેસલમેર, બીકાનેર અને બાડમેર બોર્ડર નજીક થાર, નારા અને એલિસ્તાનના રણમાં તીડ પાળવા હવે પાકિસ્તાનને ભારે પડી ગયા છે. હવાની દિશા ઉત્તર-પૂર્વની થતા જ કરોડો તીડ સિંધ પ્રાંતમાં પહોંચી ગયા છે. સિંધની રાજધાની કરાંચીમાં તીડના વાદળો જોવા મળી રહ્યા છે. સિંધના પ્રધાન મોહમ્મદ ઇસ્માઇલની સલાહ પર લોકોએ કઢાઇ ચિકનની જગ્યાએ કઢાઇ તીડ અને તીડ બીરીયાની ખાવાનું શરૂ કર્યુ છે. પાકિસ્તાનના શહેરોમાં બલૂચિસ્તાનથી પણ તીડ આવવાનું ચાલુ જ છે.

એરક્રાફટ હોવા છતાં પાકિસ્તાન તીડને નિયંત્રીત ન કરી શકયું. જયારે ભારતે ફકત ચાર પૈડાવાળા વાહનોથી તીડને નાગૌરથી આગળ નહોતા વધવા દીધા. પાકિસ્તાન સરહદથી રાજસ્થાન, જેસલમેર, બાડમેર અને બીકાનેરમાં પણ તીડના મોટા દળો સતત આવી રહ્યા છે પણ ભારતની પુરતી તૈયારીઓને કારણે તેમને થારમાં જ જમીનદોસ્ત કરી દેવાય છે. જોધપુરના તીડ ચેતવણી સંગઠનના ડેપ્યુટી ડાયરેકટર ડો.કે એલ ગુર્જરે કહ્યું કે પાકિસ્તાને પુરી તાકાતથી તીડ નિયંત્રણ અભિયાન ન ચલાવ્યું પરિણામે હવે તેને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનના અંદરના શહેરો સુધી તીડ પહોંચી ગયા છે. જયારે આપણે તીડને નાગૌર સુધીમૈં જ રોકી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે તીડના એક ટોળામાં એક લાખથી માંડીને ૧ અબજ સુધીના તીડો હોય છે જે એક દિવસમાં ૨૦૦ ટન અનાજ સાફ કરી જાય છે. એક દિવસમાં તીડ ૧૫૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે.

સિંધના પ્રધાન ઇસ્માઇલે પાકિસ્તાનમાં ટમેટાના ભાવ ૨૦૦ રૂપિયાથી પણ વધી જતા લોકોને તીડ ખાવાની સલાહ આપી છે. થાર જીલ્લાના ચચરાઓ વિસ્તારમાં એક રેસ્ટોરાએ તો તીડ પીરસવાનું ચાલુ પણ કરી દીધુ છે. તીડમાં વીટામીનો વધારે પ્રમાણમાં હોય છે.

(3:34 pm IST)