Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ચંદ્ર પર લેન્ડીંગ માટે ઇસરો ફરીથી તૈયાર

હવે ર૦ર૦માં ચન્દ્રયાન-૩ દ્વારા લક્ષ્ય કરાશે હાંસલ

નવી દિલ્હી તા. ૧૪: ભારતના ઐતિહાસીક ચંદ્ર મિશન ચંદ્રયાન-રના લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફટ લેન્ડીંગ કરાવવાનું હતું પણ છેલ્લી ઘડીએ લેન્ડરની ઝડપ પર નિયંત્રણ ન થઇ શકવાથી સોફટ લેન્ડીંગની જગ્યાએ હાર્ડ લેન્ડીંગ થયું અને તે પણ નિશ્ચિત જગ્યાથી ૬૦૦ મીટર દુર. ત્યાર પછી લેન્ડર વિક્રમ સાથે કોઇ સંપર્ક નથી થઇ શકયો પણ હવે તે બાબતે દુખી થયા વગર ઇસરોએ ફરીથી મહેનત કરવાનું વિચાર્યું છે.

સુત્રોનું કહેવું છે કે, ઇસરો દ્વારા ચંદ્રયાન ૩ ને આવતા વર્ષે ચંદ્ર ઉપર મોકલવામાં આવશે. સુત્રો અનુસાર ચંદ્રયાન-૩ ને ચંદ્ર પર મોકલવાની સમય મર્યાદા નવેમ્બર ર૦ર૦ નકકી કરવામાં આવી છે. તેના માટે ઇસરોએ કેટલીક સમિતિઓ પણ બનાવી છે. જેમાં એક મુખ્ય પેનલ અને ત્રણ પેટા સમિતીઓની રચના કરવામાં આવી છે. આ અંગે ઓકટોબરથી અત્યાર સુધીમાં ચાર ઉચ્ચ સ્તરીય મીટીંગો પણ યોજાઇ ગઇ છે. જણાવવામાં આવ્યું છે કે ચંદ્રયાન-૩ મિશનમાં ફકત લેન્કર અને રોવરને સામેલ કરવામાં આવશે, કેમકે ચંદ્રયાન-ર નું ઓર્બીટર બરાબર કામ કરી રહ્યું છે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિક્રમા કરતા તેની હાઇ રીઝોલ્યુશન તસ્વીરો પોતાના કેમેરામાં કેદ કરીને ઇસરોને મોકલી રહ્યો છે.

ચંદ્રયાન માટે બનાવાયેલ સમિતિની હાલમાં જ મંગળવારે એક મિટીંગ થઇ હતી. તેમાં બધી પેટા સમિતિઓની ભલામણો પર ચર્ચા થઇ હતી. એક વૈજ્ઞાનિકે કહ્યું કે કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ઇસરોએ મિશનના ૧૦ મહત્વપુર્ણ પાસાઓ પર ધ્યાન આપ્યું છે. જેમાં લેન્ડીંગ સાઇટ, નેવીગેશન અને લોકલ નેવીગેશન સામેલ છે. સુત્રોએ જણાવ્યું કે પાંચ ઓકટોબરે આદેશ આપીને એક ઓફીશ્યલ નોટિસ બહાર પડાઇ છે.

એક અન્ય વૈજ્ઞાનિકે કહ્યું કે નવા મિશન માટે સર્વોચ્ચ પ્રાથમિકતા લેન્ડરના પગની મજબૂતી છે. સુત્રોએ કહ્યું કે ઇસરો એક નવું લેન્ડર અને રોવર નિર્માણ કરશે. લેન્ડર પર પે લોડના આંકડા બાબતે કોઇ નિર્ણય નથી લેવાયો.

(3:29 pm IST)