Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

IRCTCના રોકાણકારો માલામાલઃ ૧ મહિનામાં જ પૈસા ૩ ગણા થયા

રૂ.૩૨૦નો શેર ગઇ કાલે રૂ.૯૮૧.૩૫ ઉપર પહોંચ્યો હતો

મુંબઇ તા.૧૪: ઇન્ડીયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)એ પોતાના રોકાણકારોના નાણા એક મહિનામાંજ ત્રણગણા કરી આપ્યા છે કંપનીનો ફકત ૩૨૦ રૂપિયામાં આપવામાં આવેલો શેર ગઇકાલે ત્રણગણાથી પણ વધારે વધીને ૯૮૧.૩૫ રૂપિયાની મહત્તમ ઉંચાઇએ પહોંચ્યો હતો.

જણાવી દઇએ કે, આઇઆરસીટીસીએ પોતાનો શેર ૧૪ ઓકટોબરે શેર બજારમાં ૩૨૦ રૂપિયાની ઇસ્યુ પ્રાઇઝ પર લીસ્ટેડ કર્યો હતો અને ગઇ કાલે તેની કિંમત ત્રણ ગણી થતી જોવા મળી હતી. જો કે શેરબજાર લીસ્ટેડ થયાના બીજા દિવસેજ તેની કિંમત ઇશ્યુ પ્રાઇઝથી બમણી થઇ ગઇ હતી. ત્યાર પછી તેમાં સતત વધારો થતો રહ્યો છે.

આ ઉછાળાની સાથે આઇઆરસીટીસીની માર્કેટકેપ બીએસઇ ઉપર ૧૫૫૭૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ સાથે આઇઆરસીટીસીનો આઇપીઓ અત્યાર સુધીના સૌથી ચર્ચિત આઇપીઓમાં સામેલ થઇ ગયો છે.

આઇઆરસીટીસીની ટ્રેન તેજસ એકસપ્રેસે આ વર્ષે ઓકટોબર સુધીમાં ૭૦ લાખ રૂપિયા નફો કર્યો છે. જયારે ટીકીટોના વેચાણમાંથી તેણે ૩.૭૦ કરોડની કમાણી કરી છે. તેજસ ભારતીય રેલ્વેની પહેલી ખાનગી ટ્રેન છે. આ ટ્રેનની ટીકીટનું સરેરાશ વેચાણ ૮૦ થી ૮૫ ટકા છે. તેજસ એકસપ્રેસ પ ઓકટોબરથી ચાલુ થઇ છે.

(11:41 am IST)