Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ

CM પદ મેળવીને પણ ઘણુ ગુમાવશે શિવસેના

મહત્વના ખાતા-સ્પીકર પદ રહેશે કોંગ્રેસ-NCP પાસે : હિન્દુત્વના મુદ્દે આપવો પડશે જવાબ

નવી દિલ્હી, તા. ૧૪ : મહારાષ્ટ્રમાં બની રહેલા નવા રાજકીય સમીકરણોમાં શિવસેના ભલે પોતાનો મુખ્યપ્રધાન બનાવવાની ઇચ્છા પૂરી કરી લે, પણ ઘણા મોરચે તેના હાથ ખાલી રહેશે. સુત્રો અનુસાર, જો સરકાર બનશે તો ગૃહ, કૃષિ અને નાણા જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો ઉપરાંત સ્પીકરનું પદ પણ કોંગ્રેસ અને એનસીપી પાસે રહેશે. આખા કાર્યકાળમાં શિવસેનાને હિન્દુત્વના મુદ્દે રક્ષણાત્મક વલણ રાખવું પડશે અને હિન્દુત્વના રાજકારણ પર એકલા હાથે કબજો કરવા માટે ભાજપા તેની સાથે સંકળાયેલા મુદ્દાઓને સતત હવા આપતી રહેશે.

 

નવી ફોર્મ્યુલામાં શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્યપ્રધાન પદ મળશે. ભાજપા સાથેની ૩૦ વર્ષની મિત્રતા તૂટવાનું કારણ પણ આ પદ જ છે. કોંગ્રેસ-એનસીપીની સાથે સરકાર બનાવવાથી શિવસેનાની આ સૌથી મોટી જીદ તો પૂરી થશે પણ અન્ય મોરચા પર તેણે સતત એનસીપી-કોંગ્રેસનું દબાણ સહેવું પડશે. રાજયસભા, ધારાસભાની બેઠકોની વહેંચણીમાં પણ શિવસેનાને ખોટ ખાવી પડશે. કેમ કે આ બેઠકોને ત્રણ પક્ષોમાં સરખાભાગે વહેંચાશે.  કોંગ્રેસ-એનસીપી સાથે શિવસેનાની દોસ્તીથી ભાજપા ચિંતીત તો છે પણ ભવિષ્યમાં પાર્ટી માટે સારૂ થવાની તેને આશા છે. પક્ષના રણનીતિકારોનું માનવું છે કે લોકસભા અને વિધાનસભા એમ બન્ને ચૂંટણીમાં ભાજપા નિર્વિવાદરૂપે સૌથી મોટો પક્ષ રહ્યો છે. શિવસેનાની સાથે રહેવાથી હિન્દુત્વના રાજકારણ પર બંને પક્ષોનો કબજો હતો.

હવે શિવસેનાએ કોંગ્રેસ-એનસીપીનો હાથ પકડયા પછી ભાજપા હિન્દુત્વના રાજકારણ પર એકલા હાથે કબજો જમાવવાનો પ્રયાસ કરશે. શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન જમ્મુ કાશ્મીરમાં ભાજપા-પીડીપી ગઠબંધન જેવું બનશે. વિરોધી વિચાર ધારાવાળા પક્ષોના જોડાણથી ભાજપા-પીડીપી સરકાર સતત અંતરવિરોધોમાં ઘેરાયેલી રહી હતી. આનાથી ખાસ કરીને શિવસેના વિરોધી રાજકીય પરિસ્થિતિઓ ઉભી થશે. (૮.૪)

(11:35 am IST)