Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

શિવસેના- એનસીપી- કોંગ્રેસની સત્તાની નવી ફોર્મ્યુલા તૈયાર?

મહારાષ્ટ્રમાં કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે સંયુકત સરકાર બનાવવા કવાયતઃ કોમન પ્રોગ્રામમાં ખેડૂતોના દેવા માફ અને મફત વિજળીના લોકપ્રિય મુદાઓને સમાવવાનો પ્રયાસઃ મુંબઇની હોટલમાં ઉધ્ધવ ઠાકરે અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ

બાંદરા બીકેસીમાં આવેલી ટ્રાઇડેન્ટ હોટેલમાં કોંગ્રેસના નેતાઓની સાથે ચર્ચા કર્યા બાદ બહાર આવેલા શિવસેનાના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે, કોંગ્રેસના નેતા અશોક ચવાણ અને બાલાસાહેબ થોરાતને પત્રકારો ઘેરી વળ્યા હતાં.

મુંબઇ તા. ૧૪ :.. મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષો દ્વારા સરકાર બનાવવામાં નિષ્ફળતા બાદ આમ તો મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છે તો બીજી તરફ એના પગલે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સક્રિય થયા છે. ગઇકાલે તેમના નેતાઓએ મળીને સરકાર બનાવવા માટે રાજકીય કવાયત કરી હતી જેમાં કોમન મિનીમમ પ્રોગ્રામ (સીએમપી) બનાવવા પર કામ કરી રહ્યા છે જેમાં ખેડૂતલક્ષી મુદાઓ સમાવવામાં આવે એમ છે. એવું માનવામાં આવી રહયું છે કે કોંગ્રેસને ડેપ્યુટી ચીફ મીનિસ્ટર પદ અને સ્પીકરનું પદ મળશે. તો શિવસેના અને એનસીપી વચ્ચે અઢી-અઢી વર્ષ દરમ્યાન મુખ્ય પ્રધાનપદ રહેશે.

તો બીજી તરફ સૌથી મોટો પક્ષ બીજેપી પણ કોઇ પણ ભોગે સરકાર બનાવવાના તમામ વિકલ્પો ચકાસી રહ્યું છે. સુત્રોનું માનીએ તો મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ટૂંક સમયમાં જ સાથે મળીને સરકાર રચવાનો દાવો રાજયપાલ ભગતસિંહ કોશ્યાી સમક્ષ કરે એવી શકયતા છે. કોંગ્રેસ સાથે મંત્રણા બાદ બહાર આવેલા શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ મીડિયાને કોંગ્રેસ સાથે થયેલી વાતચીતની વિગતો આપવાનો ઇન્કા કરીને કહયું હતું કે શું વાત થઇ એ હું શા માટે કહું એવો સવાલ પણ કર્યો હતો.

મંગળવારે સાંજે રાષ્ટ્રપતિશાસન લાગુ થયા બાદ કોંગ્રેસના નેતાઓ મુંબઇ પહોંચ્યા હતા અને શિવસેના સાથે ચૂંટણી પરિણામ બાદ પહેલી વાર રૂબરૂ મંત્રણા હાથ ધરી હતી જેમાં એનસીપીના નેતાઓ પણ જોડાયા હતા અને સાથે મળીને સરકાર બનાવવાની કવાયત  હાથ ધરી હતી.

કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે કહયું છે કે શિવસેના સાથે ઔપધારિક વાટાઘાટો શરૂ થઇ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ લઘુતમ સામાન્ય કાર્યક્રમ જાહેર કરશે. એની વિગતો તૈયાર થઇ રહી છે. જે જાહેર કરવામાં આવશે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેના બધા એકસમાન લઘુતમ કાર્યક્રમ રચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓની બેઠક મુંબઇની એક હોટેલમાં એક કલાક ચાલી હતી. હવે બન્ને પક્ષના નેતાઓ સાથે સરકાર બનાવવાની  વ્યુહરચના અને કાર્યસૂચિ પર ચર્ચા થઇ છે. શિવસેના અને કોંગ્રેસના નેતાઓએ સાથે ભોજન પણ કર્યુ હતું. શિવસેના અને કોંગ્રેસ વચ્ચે મુંબઇની હોટેલમાં મંત્રણા થઇ હતી. ઉધ્ધવ કોંગ્રેસ-કો-ઓર્ડીનેશન કમીટીની બેઠક કરી જેમાં કોમન મીનીમમ પ્રોગ્રામ અંગેની વાત આખરી થઇ શકે છે.

શિવસેનાના નેતા સંજય રાઉત લીલાવતી હોસ્પિટલમાંથી બહાર આવ્યા છે અને મીડીયાને જણાવ્યું હતું કે તેમની તબીયત હવે ઠીક છે અને તેઓ કામ પર પાછા ફર્યા છે. તેમણે પુનરોચ્ચાર કરતાં કહયું કે એક વાત ચોકકસ છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના હશે.

કોંગ્રેસને એનસીપી સાથે સામાન્ય લઘુતમ કાર્યક્રમની વાટાઘાટો માટે મહારાષ્ટ્રના નેતાઓની સમિતિની રચના કરી છે. સમિતિમાં અશોક ચવાણ, પૃથ્વીરાજ ચવાણ, માણેકરાવ ઠાકરે, બાળાસાહેબ થોરાત અને વિજય વડેટ્ટીવારનો સમાવેશ થાય છે.

દરમ્યાન, એનસીપીના નેતા અજિત પવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી અમે આગળની રણનીતિ પર ચર્ચા કરીશું. શરદ પવાર સહિત કેટલાક અન્ય નેતાઓ હવે સંસદના સત્ર માટે દિલ્હી જશે. અમે પ-૬ લોકોની એક સમીતિ બનાવી છે જે આગળની રણનીતિ પર કામ કરશે. આ દરમ્યાન શિવસેના સાથે પણ ચર્ચા કરવામાં આવશે. અમે વહેલી તકે સરકારની રચના કરવા માગીએ છીએ, કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતો ઘણી મુશ્કેલીમાં છે. તેમને તાકીદે નવી સરકાર તરફથી સહાય મળે એ જરૂરી છે.

સુત્રોએ કહયું કે શિવસેના-એનસીપી- કોંગ્રેસની સંભવિત નવી સરકાર સામાન્ય લઘુતમ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ખેડૂતોને કેન્દ્રમાં રાખીને તેમને ખેતી માટે મફત વીજળી અને સરકારી દેવું માફ થાય એવા મુદાઓને આવરી લેવાનો પ્રયાસ કરીને નવી સરકાર ખેડૂતના હિત માટે બનાવવામાં આવી છે એવો પણ એક સંદેશો આપીને સત્તાની લાલચમાં એક થયા નથી એવું પુરવાર કરવા માગે છે.

(11:34 am IST)