Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

શિયાળુ સત્રમાં રામ મંદિર ટ્રસ્ટ અંગે ખરડો લવાશે

ખરડામાં ટ્રસ્ટના કામકાજ અને જવાબદારીની બાબત હશે

નવી દિલ્હી  :  અયોધ્યામાં મંદિર નિર્માણ માટેના સુપ્રિમના ચુકાદા પછી કેન્દ્ર સરકાર એક ખરડો પાસ કરવા અંગે વિચારી રહી છે. આ ખરડો રામ મંદિર નિર્માણ માટે બનનાર ટ્રસ્ટ માટે હશે. આ માહિતી પોતાનું નામ ન છાપવાની શરતે એક ઉચ્ચ અધિકારીએ આપી હતી.

સરકાર આ ખરડાને આગામી શિયાળુ સત્રમાંજ સંસદમાં રજુ કરી શકે છે. આ સત્ર ૧૮ નવેમબરથી ૧૩ ડીસેમ્બર સુધી ચાલશે. અધિકારીએ કહ્યું કે આ મુદ્દા પર ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે. આ ખરડામાં ટ્રસ્ટના કામકાજ અને જવાબદારીઓ વિસ્તારપુર્વક દર્શાવાય તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે, નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરતા ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે મસ્જીદ માટે સરકારને અયોધ્યામાં અન્યત્ર પાંચ એકર જમીન આપવાનું પણ કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠનેતા મનિષ તિવારીએ કહ્યું કે અમે આ ખરડાની જોગવાઇઓ જોયા પછી તેના પર કોઇ પ્રતિક્રીયા આપીશું જોકે મેં જે ચુકાદો વાંચ્યો છે તેમાં કયાંય એવું નથી કહેવાયું કે ટ્રસ્ટ બનાવવા  માટે ખરડો પસાર કરવાની જરૂર છે.

જયારે પ્રસ્તાવિત ખરડા બાબતે સીનીયર વકીલ અને બંધારણ નિષ્ણાંત રાકેશ દ્વિવેદીએ કહયું કે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એક ટ્રસ્ટની રચના માટે કહયું છે, મને લાગે છે કે એક બીલ પાસ કરીને તેની રચના કરાય તે યોગ્ય છે.

(11:33 am IST)