Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

૯૭ વર્ષથી આ ગામની વસતિ વધી જ નથી!!

નવી દિલ્હી, તા.૧૪: એકબાજુ જયાં સતત દેશની જન સંખ્યા વધી રહી છે ત્યાં જ એક ગામ એવું પણ છે કે જયાં છેલ્લા ૯૭ વર્ષથી જનસંખ્યા વધી જ નથી. આમ તો વિશ્વાસ ન આવે અને અચંબિત થઈ જવાય એવી વાત છે. પણ હા આ વાત સત્ય છે. મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લામાં આવેલા ધનોરા ગામની આ વાત છે કે જયાં છેલ્લા ૯૭ વર્ષથી જન સંખ્યા ૧૭૦૦ જ છે.

જે પ્રકારે આ ગામે પોતાની જનસંખ્યાને નિયંત્રિત રાખી તે જોતા વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આની પાછળ પણ એક સ્ટોરી છે. સ્થાનીય નિવાસી એસ.કે. માહોબયાએ કહ્યું કે ૧૯૨૨ માં કોંગ્રેસે એક ગામમાં બેઠક કરી હતી. દ્યણા અધિકારીઓ તેમાં જોડાયા હતા. જેમાં કસ્તૂરબા ગાંધી પણ હતા.

તેમણે જ નાનો પરિવાર સુખી પરિવારનું સૂત્ર આપ્યું હતું. તેમના આ સૂત્રથી ગામમાં લોકો ખૂબ પ્રભાવિત થયા. તેમણે આ સૂત્રને જીવનમાં અપનાવી લીધું. ગામના વડીલોનું કહેવું છે કે તેમના આ સંદેશને ગામના તમામ લોકોએ એટલો સારી રીતે અપનાવ્યો કે દરેક પરિવારોએ પરિવાર નિયોજનની યોજના અપનાવી. આમાં પણ સૌથી સારી વાત એ છે કે ગામના લોકોએ એ વાત સમજી લીધી કે છોકરા અને છોકરીમાં કોઈ ભેદ કે અંતર હોતા નથી.

અહીંયા કોઈપણ પરિવારમાં બે કરતા વધારે બાળકો નથી અને તેમને એ વાતથી કોઈ ફેર પડતો નથી કે દીકરી છે કે દીકરો. આ ગામ પરિવાર નિયોજનનું એક મોડલ છે. આ ગામમાં કોઈ લિંગ ભેદભાવ નથી અને પરિવાર એક અથવા બે બાળકો હોવાની વાત પર જ ટકેલા છે. ભલે બાળકો માત્ર દીકરાઓ કે દીકરીઓ હોય. અહીંયાના લોકો દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ નથી કરતા.

ધનોરાએ છેલ્લા ધણા વર્ષોથી પોતાની જનસંખ્યા જાળવી રાખી છે, પરંતુ આની આસપાસના દ્યણા ગામોમાં છેલ્લા ૯૭ વર્ષમાં જનસંખ્યા આશરે ચાર ગણી વધી ગઈ છે. સ્વાસ્થ્ય કાર્યકર્તા જગદીશ સિંહ પરિહારે કહ્યું કે ગ્રામીણો પરિવાર નિયોજનની બાબતે ખૂબ જાગૃત છે. ધનોરા એક નાનકડુ ગામ છે, પરંતુ આ ગામ માત્ર દેશ માટે જ નહી પરંતુ આખા વિશ્વ માટે પરિવાર નિયોજનનું એક મોડલ છે.

(10:30 am IST)