Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

શિવસેનાની માગણીઓ ભાજપ સ્વીકારી શકે એમ નથીઃ અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે, 'ચૂંટણી પહેલા વડાપ્રધાન અને મેં અનેક વખત જાહેરમાં નિવેદન આપ્યા હતા કે જો અમારૂ ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે, એ સમયે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો, હવે તેઓ નવી માગણી સાથે અમારી સામે આવ્યા છે, જેનો સ્વીકાર કરી શકાય એમ નથી'

નવી દિલ્હી, તા.૧૪: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેની વાતચીતમાં ભાજપ અને શિવસેના વચ્ચે તુટી ગયેલા ગઠબંધન અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી શિવસેનાની માગણીઓ સ્વીકારી શકે એમ નથી.

અમિત શાહે જણાવ્યું કે, 'ચૂંટણી પહેલા વડાપ્રધાન અને મેં અનેક વખત જાહેરમાં નિવેદન આપ્યા હતા કે જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. એ સમયે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો. હવે તેઓ નવી માગણી સાથે અમારી સામે આવ્યા છે, જેનો સ્વીકાર કરી શકાય એમ નથી.'

મહારાષ્ટ્રઃ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપૂર્ણ, સ્થિર સરકાર મળશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે અમિત શાહે કહ્યું કે, 'રાજયમાં સરકારની રચના માટે ૧૮ દિવસનો સમય ઓછો નથી હોતો. રાજયપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવાનો નિર્ણય એકદમ યોગ્ય નિર્ણય હતો. જો તેઓ મોડું કરતા તો તેમના પર આરોપ લાગતા કે તેઓ ભાજપની સરકાર ચલાવી રહ્યા છે.'

શાહે કહ્યું કે, 'અગાઉ એક પણ રાજયને આટલો સમય અપાયો નથી. રાજયપાલે વિધાનસભાનો કાર્યકાળ પુરો થઈ ગયા પછી વિવિધ પક્ષોને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. શિવસેના કે કોંગ્રેસ એનસીપી કે પછી ભાજપ, એક પણ પક્ષે સરકાર રચવાનો દાવો કર્યો નથી.'

કયારે અને શા માટે લગાવવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું છે તેની જોગવાઈઓ....

અમિત શાહે વધુમાં કહ્યું કે, 'તમામ પક્ષો પાસે સરકાર બનાવવા માટે ૬ મહિનાનો સમય છે. માત્ર શિવસેના જ નહીં પરંતુ ભાજપ પણ સમર્થન મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. જેની પાસે યોગ્ય સમર્થન હોય તે રાજયપાલ સમક્ષ દાવો રજુ કરે અને સરકાર બનાવે.'

અમિત શાહે કહ્યું કે, અમે આજે પણ શિવસેના સાથે સરકાર રચવા માટે તૈયાર છીએ, પરંતુ તેમની કેટલીક માગણીઓ સ્વીકારવા યોગ્ય નથી.

(10:28 am IST)