Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મહારાષ્ટ્ર ગુંચ : રાજ્યપાલે તમામને પુરતો સમય આપ્યો

જેની પાસે નંબર છે તે સરકાર બનાવી શકે :ભાજપ અધ્યક્ષ અમિત શાહ : મહારાષ્ટ્રમાં લાંબી મડાગાંઠને લઇ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી : વિશ્વાસઘાત કર્યો હોવાનો અમિત શાહનો ઇન્કાર

નવીદિલ્હી, તા. ૧૩ : ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ ઉપર પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, પાર્ટીને શિવસેનાની નવી માંગ કોઇપણ કિંમતે સ્વીકાર્ય નથી. અનેક વખત તેઓ પોતે અને વડાપ્રધાન મોદી જાહેરમાં કહી ચુક્યા છે કે, જો ગઠબંધન ચૂંટણી જીતશે તો દેવેન્દ્ર ફડનવીસ મુખ્યમંત્રી બનશે. તેમણે કહ્યું હતું કે, એ વખતે કોઇએ પણ વિરોધ કર્યો ન હતો. હવે નવી માંગ સાથે આવી ગયા છે જેને સ્વીકાર કરી શકાય તેમ નથી. અમિત શાહે રાજ્યપાલના પગલાનો બચાવ કરતા કહ્યું હતું કે, આ પહેલા સરકારની રચના કરવા માટે આટલો સમય કોઇપણ રાજ્યમાં આપવામાં આવ્યો નથી. ૧૮ દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાજ્યપાલે તમામ પાર્ટીઓને એ વખતે જ બોલાવી છે જ્યારે વિધાનસભાની અવધિ પૂર્ણ થઇ ચુકી છે. શિવસેના, કોંગ્રેસ, એનસીપી અને અમે સરકાર બનાવવાના દાવા કર્યા નથી.

                 જો આજે પણ કોઇ પક્ષની પાસે નંબર છે તો રાજ્યપાલ પાસે જઈ શકે છે. શાહે કહ્યું હતું કે, હજુ પણ પક્ષો પાસે તક છે. એકત્રિત થઇને રાજ્યપાલ પાસે જઇ શકે છે. તક આપવાનો કોઇ પ્રશ્ન થતો નથી. આ મુદ્દા ઉપર વિપક્ષ રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. એક બંધારણીય હોદ્દાને રાજનીતિ માટે આરીતે ખેંચવાની બાબત યોગ્ય નથી. રાજ્યપાલે તમામને છ મહિનાનો સમય આપી દીધો છે. સરકાર બનાવવાની તમામને તક રહેલી છે. શાહે કહ્યું હતું કે, કોઇની પાસેથી તક ચાંકી લેવામાં આવી નથી. કપિલ સિબ્બલ જેવા વિદ્વાન વકીલ આ પ્રકારની દલીલો કરીને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમારા સાથી પક્ષે નવી શરતો મુકી છે જે અમને સ્વીકાર્ય નથી. જે દાવા કરી રહ્યા છે કે અમને સરકાર બનાવવાની તક મળી નથી તેમની પાસે હજુ પણ તક છે. શાહે કહ્યું હતું કે, અમે કોઇ વિશ્વાસઘાત કર્યો નથી. અમારી પાર્ટીના સંસ્કાર રુમમાં થયેલી વાતચીતને જાહેર કરવાના નથી. રાજ્યપાલ શાસનના લીધે ભાજપને સૌથી વધારે નુકસાન થયું છે.

(12:00 am IST)