Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રામ મંદિર : ૨૫મી પહેલા સુરક્ષા વધારવા માંગ કરાઈ

સુરક્ષા નહીં વધે તો અયોધ્યા છોડી દેવાશે : ૧૯૯૨માં પણ આવી ભીડ એકત્રિત થઇ હતી : અન્સારી

નવી દિલ્હી, તા. ૧૪ : અયોધ્યામાં રામ મંદિરને લઇને વધી રહેલી હિલચાલ અને હિન્દુ સંગઠનોના સંભવિત કાર્યક્રમોને લઇને બાબરી મસ્જિદના અધિકારી ઇકબાલ અન્સારીની ચિંતા વધી ગઈ છે. અન્સારીએ ૧૯૯૨ને યાદ કરતા કહ્યું છે કે, જો ૨૫મી નવેમ્બરથી પહેલા સુરક્ષા વધારવામાં નહીં આવે તો તેઓ અયોધ્યાથી પલાયન કરી જશે. અન્સારીએ ૨૫મી નવેમ્બર પહેલા અયોધ્યા પલાયન કરવાની ચેતવણી આપી દીધી છે. ઇકબાર અન્સારી બાબરી મસ્જિદ સાથે સંબંધિત મામલામાં એક પક્ષ તરીકે છે. અન્સારીએ ભીડને ધ્યાનમાં લઇને સુરક્ષા નહીં આપવાને લઇને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, ૧૯૯૨માં પણ આવી જ ભીડ જમા થઇ હતી. અનેક મસ્જિદો તોડી પાડવામાં આવી હતી. મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા. સુરક્ષાની માંગ કરીને અન્સારીએ કહ્યું છે કે, જો અયોધ્યામાં ભીડ જમા રહેશે તો અમારી અને મુસ્લિમ સમુદાયના લોકોોની સુરક્ષા વધારવામાં આવે તે જરૂરી છે. જો સુરક્ષા વધારવામાં નહીં આવે તો ૨૫મી તારીખ પહેલા અયોધ્યા છોડી દેશે. ૨૫મી નવેમ્બરના દિવસે શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં લાખો લોકો પહોંચે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં લઇને ઇકબાર અન્સારીએ વહીવટીતંત્રને સુરક્ષા વધારવાની માંગ કરી છે. રામ મંદિરના મુદ્દા ઉપર સંતો સાથે ચર્ચા માટે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચનાર છે. એજ દિવસે વિશ્વ હિન્દુ પરિષદે પણ લાખો લોકોને એકત્રિત કરવાનો દાવો કર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મંદિર નિર્માણના મામલામાં કોઇપણ નિર્ણય જાન્યુઆરી સુધી ટાળી દીધા બાદ આને લઇને ઝુંબેશ તીવ્ર બની છે. રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરવા કાનૂન બનાવવા તથા વટહુકમ લાવવાની માંગ પણ થઇ રહી છે. મોદી સરકાર ઉપર સંઘ પરિવાર, હિન્દુ સંગઠનો અને અન્ય હિન્દુ તરફી પાર્ટીઓએ દબાણ લાવ્યું છે.

 

(8:05 pm IST)