Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, ગાઝા પટ્ટી પર ૩૭૦ રોકેટથી હુમલો

છેલ્લા થોડા સમયથી શાંત પડેલ પટ્ટૃી પર ફરી ઘર્ષણની સ્થિતિ સર્જાઇ છે, આ વખતે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇને વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે

ઇઝરાયેલ,તા.૧૪: છેલ્લા થોડા સમયથી શાંત પડેલી ગાઝા પટ્ટી પર ફરી ઘર્ષણની સ્થિતિ સર્જાઇ છે, આ વખતે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇને વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મંગળવારે ગાઝા પટ્ટી પર આવેલા હમાસ પર ઇઝારાયેલે ૩૭૦ રોકેટથી હુમલો કર્યો હતો, તો સામા પક્ષે પેલેસ્ટાઇને પણ વળતો પ્રહાર કર્યો હતો, જેમાં હમાસમાં સ્થિત એક ન્યૂઝ ચેનલની ઓફિસ પણ રોકેટના નિશાને આવી જતા ધ્વસ્ત થઇ ગઇ હતી.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે વર્ષોથી દુશ્મની છે, બંને દેશોની બોર્ડર પર ફાયરિંગ અને ઘર્ષણની ઘટના સામાન્ય બની ગઇ છે, પરંતુ મંગળવારે અચાનક આ ઘર્ષણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ગાઝા પટ્ટી પર સ્થિતિ હમાસ શહેરમાં રોકેટ લોન્ચર વડે હુમલા કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયેલે ૩૭૦ રોકેટથી હુમલો કર્યો હતો. જેમાં અંદાજે ૧૦૦ રોકેટને ઇન્ટરસેપ્ટ કરી નિષ્ફળ કરી દેવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૪માં થયેલા ભયાનક ગાઝા વોર બાદ આ અત્યારસુધીનો મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે, ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે ગાઝા તરફથી સતત રોકેટ હુમલા કરવામાં આવી રહ્યાં છે, મંગળવારે ગાઝા તરફથી ફેંકવામાં આવેલી એક રોકેટ દક્ષિણ ઇઝરાયેલમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર પડ્યું હતું, ઇઝરાયેલ મેડિકલ સર્વિસે આ હુમલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ સેનાની મુવમેન્ટ બાદથી ગાઝા પટ્ટી પર ઘર્ષણ તેજ બન્યું છે. બંને દેશો તરફથી સતત ફાયરિંગ અને હુમલા કરવામાં આવી રહ્યાં છે. સોમવારે પેલેસ્ટાઇન અધિકારીઓએ ઇઝરાયલ હુમલામાં ૬ લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. મૃતકોમાં હમાસના સશસ્ત્ર વિંગના એક સ્થાનિક કમાન્ડર નૂર બરાકા પણ સામેલ હતા. તો સામા પક્ષે ઇઝરાયેલના એક સૈનિકનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

(4:11 pm IST)