Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઈમરાન સરકારને શાહીદ અફ્રીદીનો સણસણતો તમાચોઃ પહેલા આપણું ઘર સંભાળો પછી કાશ્મીરની ચિંતા કરો

પાકિસ્તાન દ્વારા પોતાના લોકો જ સંભાળી શકાતા નથી તો કાશ્મીરને શું સંભાળશે ? : શાહીદ અફ્રીદીની પત્રકાર પરિષદમાં સટાસટી : કાશ્મીર કોઈ ઈસ્યુ જ નથીઃ હું કહું છું કે પાકિસ્તાનને કાશ્મીર જોઈતું જ નથીઃ અફ્રીદીના નિવેદનથી જબરો વિવાદ

નવી દિલ્હી, તા. ૧૪ :. પાકિસ્તાનના ધૂરંધર ઓલ રાઉન્ડર શાહિદ અફ્રીદીએ એક પત્રકાર પરિષદમાં કહ્યુ છે કે, પાકિસ્તાન કાશ્મીરને સંભાળી ન શકે. તેમણે આપેલા આ નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. ઈંગ્લેન્ડની સંસદ ગણાતી હાઉસ ઓફ કોમન્સમાં અફ્રીદીએ કહ્યુ છે કે, પાકિસ્તાને કાશ્મીરની ચિંતા કરવી જોઈએ નહિં. તેમણે જણાવ્યુ છે કે પાકિસ્તાન દ્વારા પોતાના ચાર પ્રાંત સંભાળાતા નથી તેથી પાકિસ્તાને કાશ્મીરની ચિંતા કરવી જોઈએ નહિં. શાહીદ અફ્રીદી ત્યાં પોતાની સંસ્થા શાહીદ અફ્રીદી ફાઉન્ડેશન સાથે જોડાયેલા કોઈ કાર્યક્રમમા આવ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે જ્યારથી પૂર્વ ક્રિકેટર ઈમરાનખાન પાકના વડાપ્રધાન બન્યા છે ત્યારથી કાશ્મીરને લઈને ફરી એક વખત ચર્ચાઓ વેગવંતી બની છે. ઈમરાને ખુદ પણ કાશ્મીરી સમસ્યાનો તુરંત અંત લાવવાની વાત જણાવી છે.

સોશ્યલ મીડીયા પર અફ્રીદીની પત્રકાર પરિષદનો વિડીયો વાયરલ થયો છે. જેમાં અફ્રીદી કહે છે કે, પાકિસ્તાન દ્વારા પાકિસ્તાનના લોકો જ સંભાળી શકાતા નથી તો કાશ્મીરને શું સંભાળશે ? તેમણે કહ્યુ છે કે કાશ્મીર કોઈ ઈસ્યુ નથી જે લોકો ત્યાં રહે છે તેમને હું કહું છું કે પાકિસ્તાનને કાશ્મીર નથી જોઈતુ ભારતને પણ ન આપો. કાશ્મીર અલગ દેશ બને. આવુ થશે તો માણસાઈ જીવંત રહેશે. ઈન્સાન મરી રહ્યો છે તે તો બંધ થશે.

આ વિડીયોમાં તેઓ કહે છે કે, કાશ્મીર પાકિસ્તાનને નથી જોઈતુ. તેનાથી પોતાના લોકો સંભાળી શકાતા નથી. ઈન્સાનીયત મોટી ચિજ છે પછી ભલે તે ગમે તે ધર્મની હોય.

અત્રે નોંધનીય છે કે અફ્રીદી કાશ્મીર અંગે અગાઉ પણ બોલી ચૂકયા છે. ગયા વર્ષે ટી-૨૦ વિશ્વ કપ દરમિયાન એક મેચમાં શાહીદ અફ્રીદીએ કહ્યુ હતુ કે, અમને સપોર્ટ કરવા અનેક લોકો કાશ્મીરથી આવ્યા છે. હું તેમનો આભાર વ્યકત કરૂ છું. તેમના આ નિવેદનથી હોબાળો થયો હતો.

(3:26 pm IST)