Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઈન્દોર રહેવાના હિસાબથી સૌથી શ્રેષ્ઠઃ સૌથી સુરક્ષિત દહેરાદુન

રહેવા માટે બેસ્ટ ટોપ ૧૦ શહેરોમાં યુપીના ચાર શહેરો

નવી દિલ્હી, તા. ૧૪ :. દેશમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ગ્રામીણ વિસ્તારોથી શહેરોની તરફ ઝડપથી પલાયન વધ્યુ છે. જેને કારણે શહેરો ઉપર પ્રેસર પડી રહ્યુ છે અને તેને કારણે શહેરીકરણમાં પણ ઝડપ આવી છે પરંતુ આપણા શહેરો રહેવાના મામલે અને નાગરીકોને મળતી સુવિધાઓને મામલે કેટલા સારા છે ? તે બાબતને લઈને હાલમાં એક સર્વે થયો હતો. ચોંકાવનારી વાત એ છે કે દેશના ૩ મહાનગરો દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર દેશના ટોપ ૧૦ શહેરોમાં જગ્યા મેળવી શકયા નથી. મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર રહેવાના હિસાબથી સૌથી શ્રેષ્ઠ જાહેર થયુ છે. જ્યારે સુરક્ષાના હિસાબથી એ માપદંડ પર ખરૂ ઉતરી શકયુ નથી. સુરક્ષાના મામલામાં ઉત્તરાખંડનું પાટનગર દહેરાદુન સૌથી સુરક્ષીત છે.

આ સર્વે જાગરણ ડોટ કોમ, કેપીએમજી અને ફેસબુક દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૪૦૦૦ લોકો પર કરવામાં આવેલા આ સર્વેમાં ૪ બાબતોને પસંદ કરવામાં આવી હતી. જેમાં સ્વાસ્થ્ય, ઈન્ફ્રા, ઈકોનોમી, એજ્યુકેશન અને સુરક્ષા સામેલ હતા. ઈન્દોર આ યાદીમાં પહેલા ક્રમે છે તો બીજા ક્રમે લખનઉ તો ત્રીજા ક્રમે દહેરાદુન, ચોથા પર વારાણસી, પાંચમાં પર રાયપુર, છઠ્ઠા પર રાંચી, સાતમુ મેરઠ, આઠમુ લુધીયાણા, નવમા ક્રમે પટણા અને ૧૦માં ક્રમે કાનપુરને જગ્યા મળી છે.

તો દેશમાં જે શહેરોમાં સૌથી વધુ પલાયન થાય છે અને જે શહેરોનુ દેશના અર્થતંત્રમાં મહત્તમ યોગદાન છે જેમ કે દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર આ યાદીમાં ટોપ શહેરોમાં જગ્યા મેળવવામાં નિષ્ફળ ગયા છે.

થોડા દિવસ પહેલા આવેલા રીપોર્ટ મુજબ મુંબઈ વિશ્વનું ૧૨મું સૌથી શ્રીમંત શહેર બન્યુ છે. જો કે રહેવાના મામલે તે સૌથી નીચે છે. ઓસ્ટ્રીયાનુ પાટનગર વીએના રહેવા માટે ટોપ પર છે. બીજા ક્રમે મેલબોર્ન અને ત્રીજા ક્રમે જાપાનનું ઓસાકા છે. વિશ્વના ટોપ ટેન શહેરોમાં ઓસ્ટ્રેલીયા અને કેનેડાના ૩ - ૩ શહેર છે. તો જાપાનના બે શહેરો એ યાદીમાં છે.

(2:46 pm IST)