Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નકસલીઓનો ફરી હુમલો : IED બ્લાસ્ટમાં ૫ જવાન સહિત ૬ ઘાયલ

ચૂંટણી ટાણે નકસલીઓએ માથું ઊંચકયું : એક સપ્તાહમાં હુમલાના બનાવમાં વધારો થયો

બીજાપુર તા. ૧૪ : છત્તીસગઢમાં માઓવાદીઓએ વધુ એક વખત સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો છે. બીજાપુર જિલ્લાથી થોડે દૂર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં સુરક્ષા દળ બીએસએફના ચાર જવાનો ઘાયલ થયા છે. આ ઉપરાંત એક ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ અને એક સામાન્ય નાગરિક પણ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વિસ્તારમાં માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ છત્તીસગઢના બીજાપુરથી ૭ કિ.મી દૂર આવેલા બીજાપુર ઘાટીમાં એક IED બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં ચાર જવાન, એક ડીઆરજી તેમજ એક સામાન્ય નાગરિક ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક બીજાપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ હુમલાની ખાતરી નકસલ વિરોધી ઓપરેશનના ડીઆઈજી પી સુંદરરાજે પણ કરી છે.

તેમણે જણાવ્યું કે સુરક્ષાદળો અને નકસલીઓ વચ્ચે બ્લાસ્ટના સ્થળે અથડામણ ચાલુ છે તેમજ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. સોમવારે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાયું હતું તે વખતે પણ નકસલીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. બીજાપુર જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને નકસલીઓ વચ્ચે અલગ-અલગ અથડામણમાં સીઆરપીએફના બે અધિકારીઓ સહિત પાંચ સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. જયારે મતદાનના દિવસે સુરક્ષાદળો સાથે અથડામણમાં ૭ નકસલીઓને ઠાર કરી દેવાયા હતા.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે નકસલીઓએ મતદાનના બહિષ્કારની પણ ધમકી આપી હતી જો કે જનતાએ તેને અવગણીને ભરપૂર મતદાન કર્યું હતું. નકસલ પ્રભાવિત વિસ્તારોમાં ૭૬ ટકા મતદાન પ્રથમ તબક્કામાં થયું હતું. સોમવારે ૧૮ બેઠકો માટેના મતદાનમાં ૭૬.૨૮ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ ડોંગરગાંવમાં ૮૫.૧૫ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જયારે સૌથી ઓછું બીજાપુરમાં ૪૭.૩૫ ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૧૮ બેઠકો માટે ૭૫.૯૩ ટકા મતદાન થયું હતું.

(3:30 pm IST)