Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પેકેટબંધ દુધ પણ પ્રોટિન - મિનરલના મામલે ખરૂ નથી

દેશભરમાં ખુલ્લા અને પેકેટબંધ દુધના નમૂનાનો રિપોર્ટ જારી : દેશમાં દુધ સુરક્ષિત પણ ગુણવત્તાનો મુદ્દો હજુ ઉભોને ઉભો

નવી દિલ્હી તા. ૧૪ : ભારતમાં વેચવામાં આવતા દુધમાં મોટાપાયે ભેળસેળ તો નથી થતી પણ તેની ગુણવત્તા ચિંતાનો વિષય બન્યો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક ઓથોરીટીએ જારી કરેલા એક વચગાળાના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફેટ, પ્રોટીન, વિટામીન, મિનરલ્સ જેવા પોષક તત્વોના મામલામાં ખુલ્લામાં વેચાતા દુધની સાથે પેકેટવાળુ દુધ પણ તપાસમાં ખરૂ ઉતર્યું નથી.

સર્વેમાં જણાવ્યું છે કે, વસા અને સોલીડ નોન ફેટની ગુણવત્તા માપદંડ પર ખુલ્લા અને પેકેટવાળા દુધમાં કમી છે. એફએસએસએઆઇના સીઇઓ પવન અગ્રવાલે કહ્યું છે કે, આ ચિંતાની બાબત છે અને તેની નીપટવા નક્કર પગલાની જરૂર છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નમૂનામાં મળેલી ખામીઓનો એ અર્થ નથી કે મોટા પાયે પેકેટ દુધ વેચતી કંપનીઓ નિયમોનું પાલન નથી કરતી.

ઇન્ડીયન મેમ્બર એસો.ના સભ્ય અને આનંદા ડેરીના વડા રાધેશ્યામ દિક્ષિતે કહ્યું છે કે, પેકેટ દુધ વેંચતી કંપનીઓ ગુણવત્તાના માપદંડ પર ખરી ઉતરે છે અને જો કોઇ તેના પર ધ્યાન ન દયે તો તે બજારમાં ટકશે નહિ. એફએસએસએઆઇ નિયમોને લઇને કડક છે.

અગ્રવાલે કહ્યું હતું કે, અભ્યાસના પરિણામોને રાજ્ય સરકારો સાથે શેયર કરાશે તે પછી દુધની ગુણવત્તામાં સુધારાને દંડાત્મક અને અન્ય ઉપાય કરાશે.

રિપોર્ટ મુજબ ભારતમાં વેચાતુ ૯૦ ટકા દૂધ સુરક્ષિત છે. ૧૦ ટકામાં ભેળસેળ મળી હતી. દેશમાં ૨૦ ટકા દુધ પેકેટમાં વેચાય છે. એપ્રિલથી ઓકટોબર વચ્ચે ૬૪૩૨ સેમ્પલ લેવાયા હતા. માત્ર ૬૩૮ નમૂના એવા હતા જેમાં દુષિત પદાર્થ હતા. માત્ર ૧૨ ટકામાં જ ભેળસેળ હતી. જેમાં વનસ્પતિ તેલ, ડિટર્જન્ટ, ગ્લુકોઝ, યુરીયા સામેલ હતા.

(11:20 am IST)