Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મુંબઈ પોલીસ જલ્દી સમીર વાનખેડેની પૂછપરછ કરશે

જાસૂસીના મામલે નવો વળાંક આવ્યો છે : વાનખેડેએ આરોપ લગાવ્યો હતો કે પોલીસના લોકો તેમનો પીછો કરી રહ્યા છે અને તેમની મૂવમેન્ટ ટ્રેક કરે છે

મુંબઈ, તા.૧૪ :એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની જાસૂસીના મામલે નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસ જલદી સમીર વાનખેડેને સમન મોકલીને પૂછપરછ માટે બોલાવશે.

અત્રે જણાવવાનું કે સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈ પોલીસના લોકો તેમનો પીછો કરી રહ્યા છે અને તેમની મૂવમેન્ટ ટ્રેક કરે છે. તેઓ અવારનવાર કબ્રસ્તાનમાં તેમની માતાની કબર પર જાય છે. મુંબઈ પોલીસના બંને પોલીસકર્મીઓએ કબ્રસ્તાનમાંથી તેમનું સીસીટીવી ફૂટેજ લીધુ હતું.

એનસીબીના એક અધિકારીના જણાવ્યાં મુજબ વાનખેડે નિયમિત રીતે ઓશિવારામાં આવેલા કબ્રસ્તાન જતા હતા, જ્યાં તેમની માતાને ૨૦૧૫માં તેમના મૃત્યુ બાદ દફનાવવામાં આવ્યા હતા. અધિકારીએ સોમવારે દાવો કર્યો કે ઓશિવારા પોલીસમથકના બે અધિકારી કબ્રસ્તાન ગયા અને વાનખેડેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સીસીટીવી ફૂટેજ લીધુ.

વાનખેડેના જાસૂસીના આરોપો બાદ મુંબઈ પોલીસ કમિશનરે એડિશનલ કમિશનર રેક્નના અધિકારીને મામલાની તપાસના આદેશ આપ્યા હતા. આ બાજુ આ મામલે મહારાષ્ટ્ર સરકારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલે મંગળવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે કોઈ પણ એજન્સીને સમીર વાનખેડેની નિગરાણી કરવાના આદેશ આપ્યા નથી.

દીલીપ વાલસે પાટિલે કહ્યું કે સરકારે કે રાજ્યના ગુપ્તચર વિભાગને સમીર વાનખેડે પર નજર રાખવાના કોઈ આદેશ અપાયા નથી. મે સાંભળ્યું છે કે તેમણે (વાનખેડે) ડીજીપીને ફરિયાદ કરી છે. અમે તેના પર ધ્યાન આપીશું. મંત્રીએ કહ્યું કે મને નથી લાગતું કે પોલીસ તેમના પર નજર રાખી રહી છે.

અત્રે જણાવવાનું કે ક્રુઝ જહાજ પર દરોડાનું નેતૃત્વ કર્યા બાદ ચર્ચામાં આવેલા સમીર વાનખેડેએ સોમવારે ફરિયાદ કરી હતી કે બે પોલીસ અધિકારી તેમનો સતત પીછો કરી રહ્યા હતા. ક્રુઝ પર દરોડા બાદ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની માદક પદાર્થો મામલે ધરપકડ કરાઈ હતી.

(8:51 pm IST)