Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

આર્યન સાથે દેખાતા ખાનગી જાસૂસ સામે લૂકઆઉટ નોટિસ

ગોસાવી સામે પુણે પોલીસ દ્વારા લૂકઆઉટ નોટિસ : મુંબઈ ક્રુઝ ર્ડ્ગ્સ કાંડ બાદ શાહરુખના પુત્ર આર્યન ખાનની સાથે સેલ્ફી દ્વારા કે. ગોસાવી ચર્ચામાં આવ્યો હતો

મુંબઈ, તા.૧૪ :મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કાંડમાં આર્યન ખાનની અટકાયત કરેલ તે સમયે સૌથી પહેલી તસવીર કે. ગોસાવીની સામે આવી હતી, અને ત્યારથી જ ગોસાવી ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. ગોસાવી ખાનગી જાસૂસ હોવાનું અને ડ્રગ્સ પાર્ટી અંગે એનસીબીને બાતમી આપી હોવાનું સામે આવ્યું હતું. જો કે, વાયરલ તસવીરને કારણે ગોસાવી પોલીસની રડારમાં આવી ગયા છે. અને છેતરપિંડીના ૩ કેસોને કારણે હવે પુણે પોલીસે ગોસાવીની સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. બીજી ઓક્ટોબરે ક્રુઝ શિપ પર ઝડપાયા બાદ હાલ આર્યન ખાન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, અને જામીન અરજી માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

પુણે પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ એ વાતની પુષ્ટિ કરી છે કે, ગોસાવીની સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં પોલીસ સુત્રોના હવાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશ છોડીને ભાગી ન જાય તે માટે ગોસાવી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

અગાઉ મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કે. ગોસાવી અને મનિષ ભાનુશાળીના ભાજપ સાથે સંબંધ છે. ૨૦૧૮ના છેતરપિંડીના કેસમાં પુણે પોલીસ દ્વારા ગોસાવીને વોન્ટેડ જાહેર કરાયો હતો. જો કે, એનસીબી દ્વારા ક્રુઝ ડ્રગ્સ કેસમાં ગોસાવીને 'સ્વતંત્ર સાક્ષી' તરીકે જણાવવામાં આવ્યો છે.

પુણેના કેસબા પેથના રહેવાસી ચિન્મય દેશમુખ દ્વારા ફરસખાના પોલીસ સ્ટેશનમાં ગોસાવીની સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ગોસાવીએ સોશિયલ મીડિયામાં હોટેલ મેનેજમેન્ટ જોબ્સ માટે એક જાહેરાત આપી હતી. જે બાદ દેશમુખે ગોસાવીનો સંપર્ક કર્યો હતો. ગોસાવી દેશમુખને મલેશિયામાં જોબ આપવાનું કહી ૩.૯ લાખ રૂપિયાની માગ કરી હતી. જો કે, પૈસા લઈને ગોસાવી દ્વારા કોઈ જોબ આપવામાં આવી ન હતી, અને પૈસા પણ પરત આપવામાં આવ્યા ન હતા. જે બાદ ગોસાવીની સામે આઈપીસીની કલમ ૪૧૯ અને ૪૨૦ તેમજ આઈટી એક્ટની અન્ય કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોસાવીની સામે વર્ષ ૨૦૦૭માં મુંબઈના અંધેરીમાં તેમજ ૨૦૧૬ અને ૧૭માં થાણેના કપુરબાવડીમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે.

(7:23 pm IST)