Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

બહારથી ઘર બંધ કરી લોકોને અંદર જ પૂરી દેવામાં આવ્યા

ચીનમાં ફરી કોરોના વાયરસનો ખતરો : ચીનના એક શહેરમાં કેસ વધતા તાત્કાલિક લોકડાઉન લાગુ કરાયું : રોજ કમાઈને રોજ ખાનારા તકલીફમાં

બેજિંગ, તા.૧૪ : ચીનમાં ફરી એકવાર કોરોનાનું સંકટ ઘેરાયું છે. આ વખતે ઘુલજા શહેરમાં કોરોના વકરવાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં લોકડાઉન લગાવવામાં આવતા અહીંના ઉઈગર લોકોની તકલીફમાં વધારો થયો છે. રોજનું કમાઈને રોજ ખાનારા લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે.

રેડિયો ફ્રી એશિયાના રિપોર્ટ્સ મુજબ, ઘુલજા શહેરમાં રહેતા લોકોએ પોતાની તકલીફ અંગે સોશિયલ મીડિયા દ્વારા પોતાને પડતી તકલીફ અંગે જણાવ્યું છે. તેમના કેટલાક પરિવારોએ કેમ્પ્સમાં રહેવું પડે છે અને હવે આ નવા નિયમના લીધે તેમની તકલીફમાં વધારો થયો છે.

ઘુલજાના સ્થાનિકોએ જણાવ્યું કે, તેમના ઘરના દરવાજા પાછલા એક અઠવાડિયાથી બહારથી બંધ કરી દેવામાં આવ્યા છે, કારણે તેમણે ઘરમાં ભરાઈ રહેવું પડે છે.

રેડિયો ફ્રી એશિયાના રિપોર્ટ્સ મુજબ, ચીનના વહીવટી તંત્ર દ્વારા અચાનક જ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હોવાથી લોકોને પોતાના ઘરની બહાર નીકળવામાં અને ખાવાનું સહિતની જીવન જરિયાતની વસ્તુઓ ખરીદવામાં ભારે તકલીફ પડી રહી છે. ઉઈગર સમાજ દ્વારા અચાનક લાદી દેવામાં આવેલા લોકડાઉન અંગે સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું છે કે, મારી ઘુલજાના હિંમતવાળી પ્રજા, તમે રોજ કમાઈને રોજ ખાનારા લોકો છો, જેમને ૩ ઓક્ટોબરથી પોતાના ઘરમાં પૂરી દેવામાં આવ્યા છે.. તમે શાંતિ રાખજો, દરેક તકલીફમાંથી બહાર આવવાનો રસ્તો હોય જ છે.

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ્સ પ્રમાણે, અઠવાડિયા પહેલા ચીનના ફ્યુજિયન પ્રાંતમાં કોરોનાના ૧૫૦થી વધારે કેસ સામે આવતા લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે, આ શહેરમાં આવતી સ્કૂલો પણ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી તાત્કાલિક પગલા ભરીને વધતા કેસને અટકાવી દેવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

 

(7:23 pm IST)