Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ડોકટર્સની દેખરેખ હેઠળ

તબિયત સ્થિર : એઇમ્સે આપી માહિતી

નવી દિલ્હી તા. ૧૪ : દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતાં બુધવારે સાંજે તેમને દિલ્હી સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને છેલ્લા ૨ દિવસથી હળવા તાવની સમસ્યા રહેતી હતી. એઈમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તાવની તપાસ માટે એડમિટ કરાવવામાં આવેલા. તેમની સ્થિતિ સ્થિર છે. તેઓ ડોકટર્સના મોનિટરિંગમાં છે.

અગાઉ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડિયા પ્રકોષ્ઠ સૂત્ર દ્વારા ડોકટર મનમોહન સિંહને છેલ્લા ૨ દિવસથી હળવો તાવ હતો અને વધુ સારી સારવાર અને દેખભાળ માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વગેરેએ ટ્વિટ કરીને પૂર્વ વડાપ્રધાન જલ્દી સાજા થાય તેવી કામના કરી હતી.

પૂર્વ વડાપ્રધાન ડોકટર મનમોહન સિંહ એપ્રિલમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને ત્યાર બાદ તેમને દિલ્હી સ્થિત એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વાયરસના હળવા લક્ષણો હતો અને બાદમાં તેઓ સાજા થઈ ગયા હતા. ગત વર્ષે મે મહિનામાં પૂર્વ વડાપ્રધાનને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેમને દિલ્હી એઈમ્સમાં ડોકટર નીતિશ નાયકના મોનિટરિંગમાં જ રાખવામાં આવ્યા હતા. તેના પહેલા ૨૦૦૯માં મનમોહન સિંહની દિલ્હી એઈમ્સ ખાતે એક સફળ કોરોનરી બાઈપાસ સર્જરી કરાવવામાં આવી હતી.

(3:08 pm IST)