Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કાશ્મીર ખીણમાં વધતા જતા આતંકી હુમલાઓ વચ્ચે ૨૩ ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે અમિતભાઈ કાશ્મીર જઈ રહ્યા છે: કાલે ગોવાની મુલાકાત લેશે

છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ -કાશ્મીરમાં વધેલા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાશ્મીર ખીણની મુલાકાત લેવાના છે.   અમિતભાઈ ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન જમ્મુ -કાશ્મીરમાં રહેશે.  જો સૂત્રોનું માનીએ તો ગૃહમંત્રીશ્રીની આ ત્રણ દિવસની મુલાકાત આ વર્ષે ૮ સપ્ટેમ્બરથી શરૂ થયેલા કેન્દ્રના મોટા કાર્યક્રમની બીજી આવૃત્તિનો ભાગ છે, જે અંતર્ગત ૭૦ કેન્દ્રીય મંત્રીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી.

જમ્મુ -કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ અમિતભાઈ શાહની કાશ્મીર ઘાટીની આ પ્રથમ મુલાકાત હશે.  ગૃહમંત્રીની આ મુલાકાત વિવિધ કેન્દ્રીય યોજનાઓ વિશે લોકોને જાણ કરવા તેમજ જમીની પ્રતિસાદ મેળવવા માટે યોજવામાં આવી છે.  અત્યાર સુધી ઘણા મંત્રીઓ જનતા સુધી પહોંચ્યા છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘાટી પહોંચ્યા બાદ અમિતભાઈ શાહ અધિકારીઓને મળશે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે અને વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.

 સૂત્રોએ જણાવ્યું કે શાહ ત્યાં ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે, જેમાં સુરક્ષા, વિકાસ પ્રોજેક્ટ્સ, મેગા આઉટરીચ કાર્યક્રમો વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.  કેન્દ્ર સરકારનો પ્રથમ મેગા આઉટરીચ કાર્યક્રમ ગયા વર્ષે ૧૮ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન થયો હતો જેમાં ૩૬ કેન્દ્રીય મંત્રીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી.  આ કાર્યક્રમનો ઉદ્દેશ જમ્મુ -કાશ્મીરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને કલમ ૩૭૦ અને ૩૫એ ના રદ થયા બાદ થયેલા વિકાસની સમીક્ષા કરવાનો છે.

દરમિયાન આવતા વર્ષના પ્રારંભે ગોવા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પૂર્વે અમિતભાઈ આવતીકાલે ગુરુવારે ગોવાની મુલાકાતે જઇ રહ્યા છે. ગોવાની ચૂંટણી માટે ઇન્ચાર્જ નિમાયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે અમિતભાઈ કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં અને કેટલાક પક્ષના કાર્યક્રમોમાં હાજરી આપશે અને પક્ષના નેતાઓને મળશે.

(12:00 am IST)