Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

આબરૂના ધજાગરા થયા

દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનના ઓફિસરો હાજર ન રહ્યાં પણ જમવા પહોંચી ગયા

નવી દિલ્હી, તા.૧૪: તાજેતરમાં થોડા દિવસોથી પાકિસ્તાનના વડાપ્રધાનથી લઈને મંત્રીઓ સુધી પોતાના ધડ-માથા વગરના નિવેદનોના કારણે પોતાના દેશને અસહજ સ્થિતિમાં મૂકી રહ્યાં છે તો હવે આ જ કડીમાં તેમના અધિકારીઓનું નામ પણ જોડાયું છે. પાકિસ્તાનના પ્રતિનિધિઓએ દિલ્હીમાં આયોજીત શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશન (SCO)ના મિલિટરી મેડિસિન કોન્ફરન્સના પહેલા દિવસે હાજરી ન આપી પરંતુ ડિનર કરવા પહોંચી ગયા હતાં. જેથી પાકિસ્તાનની ફરીથી મજાક ઉડી રહી છે.

ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે,'પાકિસ્તાનના પ્રતિનિધિઓએ શાંદ્યાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશનના બે દિવસના મિલિટરી મેડિસિન કોન્ફરન્સમાં ભાગ ન લીધો અને માત્ર (ગુરુવાર)એ આયોજીત ડિનર સમારોહમાં પહોંચ્યા હતાં.'

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા પછી પાકિસ્તાનના પીએમથી લઈને મંત્રીઓ સુધી બીનજરુરી નિવેદનો આપી રહ્યાં છે. નફફટાઈની હદ તો ત્યારે થઈ જયારે ચંદ્રયાન મિશન દરમિયાન જયારે છેલ્લા સમયે વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટ્યો ત્યારે તેઓ ભારતીય વૈજ્ઞાનિકની મજાક પણ ઉડાવતા જોવા મળ્યા હતાં. ભારતના આંતરિક મામલે બોલતાં પાકિસ્તાનીઓની જીભ એ હદે લપસી હતી કે કયારેક પોતાના વિજ્ઞાન અને અલ્પજ્ઞાનના કારણે જાહેર મંચ પર ટ્રોલ થયા હતાં.

ગુરુવારે પીએમ ઈમરાન ખાને દાવો કરતા કહ્યું કે સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૫૮ દેશોએ કાશ્મીર અંગે તેનું સમર્થન આપ્યું છે. જયારે હકીકત એ છે કે માનવાધિકાર પરિષદના માત્ર ૪૭ સભ્યો જ છે. ખોટા તથ્યો રજૂ કરનાર પાકિસ્તાનના વડાપ્રધાનની પછી આકરી ટીકા થઈ હતી.

(1:11 pm IST)