Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મધ્યપ્રદેશ : ગણેશ વિસર્જન વેળા ડુબી જવાથી ૧૧ મોત

વિસર્જન વેળા નૌકા ઉંધી વળી જતાં ઘટના બની : વડાપ્રધાન નરેન્દ્ર મોદી-મુખ્યપ્રધાન કમલનાથે દુખ વ્યક્ત કર્યું : મૃતકોના પરિવારને ૧૧-૧૧ લાખ આપવા જાહેરાત

ભોપાલ,તા.૧૩ : મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી આજે સવાર પડતા ખરાબ સમાચાર આવ્યા હતા. અહીં નાનકડા તળાવમાં ખટલાપુરા ઘાટ પર વહેલી પરોઢે ૪.૩૦ વાગે ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન નૌકા ઉંધી વળી જવાથી ૧૧ લોકોના મોત થઇ ગયા હતા. આ બનાવને લઇને વિડિયો પણ સપાટી ઉપર આવ્યો છે જેમાં ૨૦ સેકન્ડનો ખૌફનાક મામલો દર્શાવવામાં આવ્યો છે. પ્રતિમા વિસર્જન દરમિયાન એકાએક હાહાકાર મચી ગયો હતો. ટૂંકમાં જ લોકો પાણીમાં ડુબવા લાગી ગયા હતા. જાન બચાવવા માટે પાણી ઉપર હાથ પગ પછાડતા નજરે પડ્યા હતા. કેટલાક લોકો બચાવવા માટે પણ પહોંચે છે પરંતુ તે ગાળા સુધી ખુબ મોડુ થઇ ગયું હતું. આ બનાવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. દુખની આ ઘડીમાં પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.

             વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ગણેશ પ્રતિમાને પાણીમાં વિસર્જિત કરવામાં આવ્યા બાદ નૌકાનું સંતુલન બગડી ગયું હતું અને જે લોકો નૌકા ઉપર ઉભા હતા તે લોકો પાણીમાં પડી ગયા હતા. એક બાજુ નૌકામાં રહેલા લોકોએ બચાવવામાં પ્રયાસ કર્યો હતો. લોકો મદદ કરવા માટે તૈયાર હતા પરંતુ યોગ્ય સમય ઉપર મદદ કરવા પહોંચી શક્યા ન હતા. આશરે ૧૫ સેકન્ડ બાદ જ બીજી નૌકા પહોંચી ગઈ હતી પરંતુ એ ગાળા સુધી ૧૧ લોકોના મોત થઇ ચુક્યા હતા. આ દુખદ ઘટનાને લઇને વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થતાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. મિનિટોના ગાળામાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ડુબી જવાના બનાવથી આઘાતનું મોજુ ફરી વળ્યું છે.

               આ નૌકામાં ૧૮ લોકો પ્રતિમા વિસર્જન બાદ ફરી ઘાટ તરફ આગળ આવી રહ્યા હતા. બીજી નૌકા તરત જ પહોંચીહતી પરંતુ ફાયદો થયો ન હતો. ખટલાપુરા ઘાટની પાસે મોટી સંખ્યામાં લોકો ગણેશ પ્રતિમા વિસર્જન માટે ઉભા હતા તે વેળા આ લોકો પણ પહોંચ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી કમલનાથે પણ આ ઘટનામાં ન્યાયિક તપાસના આદેશ આપી દીધા છે. તેમણે કહ્યું છે કે, આ બનાવની પાછળ જે લોકો પણ દોષિત હશે તેમને છોડવામાં આવશે નહીં. તેમની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારને ૧૧-૧૧ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ બનાવથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ આઘાતમાં ફેરવાઈ ગયો છે.

(12:00 am IST)