Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

કાશ્મીરમાં ભાજપનો જનાધાર વધારનાર છ સિપહ સાલારો

જમ્મુ-કાશ્મીર તા.૧૪: જમ્મુ કાશ્મીરમાં ભાજપાએ બીજા પક્ષના સહયોગથી પહલી વાર સરકારમાં ભાગીદારી તો કરી હતી. પણ જો ખરેખર જોવા જઇએ તો જમ્મુ વિસ્તારમાં તો ભાજપાનું અસ્તિત્વ દેખાઇ આવે છે પણ ખીણ વિસ્તારમાં તેનો જોઇએ તેટલો જનાધાર  જોવામાં નથી આવતો.

ખીણ વિસ્તારમાં ભાજપાને જનાધાર વધારવાનો પ્રયાસ કરનારા છ કાર્યકરોની કાર્ય પદ્ધતિ અમે અહીં જણાવવા માગીએ છીએ. જેનાથી આપણને એ સમજવામાં મદદ થશે કે આ લોકો ભાજપા માટેકેવી રીતે કામ કરે છે અને છતાં પણ બહુ વધારે પ્રખ્યાત નથી.

જમ્મુ કાશ્મીરમાં ભાજપાના વિસ્તારની દાસ્તાનથી વધારે ચોંકાવનારી છે તેના સભ્યોની વાતો. કેવી રીતે એક સ્થાનિક કાશ્મીરીએ ૧૯૯૨માં મુરલી મનોહર જોષીએ ફરકાવેલ તિરંગાને સેલ્યુટ કરી હતી. કેવી રીતે એક પોલીસવાળાએ ૧૯૯૦ દરમ્યાન આતંકવાદના વધતા જોરમાં નોકરી છોડીને ભાજપામાં જોડાઇ ગયો. તેના પર કેટલીય વાર થવા છતાં પણ ભાજપા પ્રતિ એક કાશ્મીરી મુસ્લિમની નિષ્ઠા આજે પણ બરકરાર છે.

અસરફ આઝાદ

૧૯૯૨ની સાલમાં કાશ્મીર સંપુર્ણરીતે પાકિસ્તાની સમર્થનવાળા આતંકવાદીઓના હાથમાં હતું. ત્યારે ભાજપા નેતા મુરલી મનોહર જોષીએ જાહેરાત કરી કે તે ગણતંત્ર દિવસે લાલ ચોકમાં તિરંગો ફરકાવશે. આતંકવાદીઓ જોષીના આ પગલાથી પરેશાન થઇ ગયા. તેમણે જોષી અને ભાજપા સમર્થકો ને તિરંગો ફરકાવવાથી રોકવાની કોશીષ કરી અને પડકાર પણ ફેંકયો. આતંકવાદીઓએ ૨૬ જાન્યુઆરી પહેલા મોટી હડતાલ કરી, ઉપરાંત રાજયના ડીજીપીની મિટીંગમાં બોમ્બ મુકયો હતો. ચાલુ મિટીંગ દરમ્યાન બોમ્બ ફાટતા ડીજીપી સહિત કેટલાય ઉચ્ચ અધિકારીઓ ઘાયલ થયા હતા.

૨૬ જાન્યુઆરીએ લાલ ચોકને સુરક્ષા બળોએ ઘેરી લીધો હતો અને કાશ્મીરમાં કફર્યુ લગાવી દેવાયો હતો. લાલચોકમાં આવેલ ટાવર પર જોષીએ ઝંડો ફરકાવી દીધો હતો જો કે તે દરમ્યાન તિરંગાના કેટલાક સમર્થકોને ભારે ઇજાઓ થઇ હતી. હિન્દુ સમર્થકો સાથે જ થોડેક દૂર એક સ્થાનિક યુવક પણ હતો. જે તે સમયે ૨૦ વર્ષનો હતો, જેણે વડગામના હકર મુલ્લા ગામથી અહીંંયા આવવાની હિંમત કરી હતી અને ઝંડાને સલામી પણ આપી.

અસરફે જણાવ્યું કે તે લાલચોક ગયો  હતો તેનું કારણ એ હતું કે તે આતંકવાદીઓને પડકાર આપવાની હિંમત બતાવનાર જોષીને જોવા અને માન આપવા માગતો હતો. તેણે કહયું, '' જયારે મેં જોષીને ઝંડો ફરકાવતા અને સલામી આપતા જોયા તો મેં પણ સલામી આપી હતી. આ તેમના જનુન માટેનું સન્માન હતું.'' એ જ વખતે કોઇએ તેનું બાવડું પકડી લીધુ હતું. અસરફે કહયું, ''મેં સફેદ કુર્તા પર કાળોકોટ પહેરેલા એક દાઢીવાળા માણસને જોયો. તેણે મને મારૂ નામ પુછયું. હું ડરી ગયો હતો પણ મેં મારૂ નામ તેને જણાવ્યું. મને પછી ખબર પડી કે તે આરએસએસના સભ્ય હતા અને તેમનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી હતું.

જે લોકો જોષી સાથે આવ્યાહતા તેઓ અસરફ સાથેની વાતચીતથી પ્રભાવિત થયા અને તેને જમ્મુ લઇ જવાયો. જયાં તેને એક પીસ મેકીંગ ગ્રુપ બનાવાવનું કહેવાયું. તેનું કામ લોકોને એમ સમજાવવાનું હતું કે બંદુકથી સમાધાન ન થાય..

અસરફે કહયું કે, '' જયારે હું શ્રીનગર પાછો આવ્યો તો મને સુરક્ષા અને સરકારી મકાન મળ્યું.'' આઝાદ અનુસાર તે શ્રીનગરના બેમીના વિસ્તારમાં એલપીજી ભરવાનું એક નાનું એકમ ચલાવે છે. તેના ગામના એક સ્થાનિકનું કહેવું છે કે અસરફને અહીં વિશ્વાસઘાતી માનવામાં આવે છે.

અસરફના કહેવા પ્રમાણે પછીના વર્ષે જયારે નરેન્દ્ર મોદી કાશ્મીર ગયા ત્યારે આઝાદને તેમની સાથે રહેવાનું કહેવાયું હતું. કાશ્મીરમાં ત્યારે ફકત છ જિલ્લાઓ હતા. મોદી અને મેં લગભગ બધા જિલ્લાઓનો પ્રવાસ કર્યો અને કેટલાય લોકો સાથે મુલાકાત કરી હતી. તે સમયે મોદી માર ઘરે પણ દિવસો સુધી રહયા હતા. મોદી ફકત શાકાહારી ભોજન જ લેતા હતાં.

અસરફે બડગામથી ત્રણવાર ચૂંટણી લડી હતી પણ તે હારી ગયા હતા. ૨૦૧૪થી તેણે ચૂંટણી લડવાનું બંધ કરી દીધું. આસરફે કહયું, ''હું હવે સક્રિય નથી, હું બે પુત્રો અને બે પુત્રીઓનો પિતા છંુ, મારે તેમના લગ્નની વ્યવસ્થા અને ઘરની દેખભાળ પણ કરવાની છે.

સોફી યુસુફ

સોફી યુસુફ અનંતનાગના છે. અનંતનાગ કોલેજ જોઇન કર્યા પછી તેમનું સીલેકશન જમ્મુ-કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે થઇ ગયું હતું. યુસુફને કાયમ રાજકીય મહત્વાકાંક્ષાઓ હતી એટલે તેમણે ભાજપામાં જોડવાનું વિચાર્યું અને ભાજપા સભ્ય પદ માટે સ્થાનિક નેતાઓના સંપર્કમાં સતત આવતા રહયા.

સોફી યુસુફની જીંદગીમાં ૧૯૯૬નું વર્ષ ઘણું મહત્વપુર્ણ બન્યું. એ વર્ષે તેમની ઉંમરના હજારો યુવાનોએ સરકાર વિરૂદ્ધ આઝાદીની લડાઇ માટે પુસ્તક છોડીને બંદુકો હાથમાં લીધી હતી. આ બાબતે યુસુફનું કહેવું છે કે, ૧૯૮૭ની ચૂંટણી દરમ્યાન થયેલા ખુનખરાબાએ કાશ્મીરમાં આતંકવાદને જન્મ આપ્યો હતો. ત્યારથી હાલત બગડી છે જે હજી સુધી નથી સુધરી. જો સરકાર જ આતંકવાદને સ્પોન્સર કરે તો વધુ ખતરનાક બને છે.

યુસુફ કહે છે, 'આ બધા પાછળ એક જ પણ હતો, કોંગ્રેસ મારા ભાજપામાં સામેલ થવાના કારણોમાં એક કોંગ્રેસ હતી. ભાજપામાં જોડાયા પછી મારી મુલાકાત પક્ષના ટોચના નેતાઓ સાથે થઇ. જેમાં ભૂતપુર્વ વડાપ્રધાન બાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી પણ સામેલ હતાં. જયારે પણ આ બન્ને નેતાઓ કાશ્મીર આવતા, હું તેમની સાથે જ રહેતો હતો.' ર૦૦ર માં જયાર વાજપેયી અને વેંકયા નાયડુ ખીણની મુલાકાતે આવ્યા હતા ત્યારે મેં એક મેગા રેલીનું આયોજન કર્યુ હતું. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. મારા મતે ભાજપા જ એક માત્ર પક્ષ છે જે ખીણમાં શાંતિ લાવી શકે તેમ છે.

લતીફ અહમદ ખાન

જર્નાલીસ્ટ તરીકે કામ કરતા લતીફ અહમદખાન ભાજપામાં આવ્યા પહેલા  કોંગ્રેસની સાથે હતાં. ર૦૦૦ ની સાલમાં તેણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપાનું કમળ પકડયુ હતું. ૪૦ વર્ષના લતીફ ખાન પહેલગામના શ્રી ગુફવાડાના છે.

ભાજપાની ઇમેજ બાબતે એક વાર તેમણે કહયું હતું લોકો કહે છે કે આ એન્ટી મુસ્લીમ પક્ષ છે, જયારે હું પક્ષમાં જોડાયો ત્યારે મારા મનમાં પણ એજ વાત હતી. પણ, પક્ષના સીનીયર નેતાઓને મળ્યા પછી અને ઘણી બેઠકોમાં ભાગ લીધા પછી મારા વિચારો બદલાઇ ગયા. મેં જોયું કે ભાજપાનો એજન્ડા કયારેય એન્ટી મુસ્લિમ છે જ નહીં. કદાચ ભાજપા સિવાયના બીજો કોઇ પણમાં જોડાવુ સહેલું અને ફાયદાકારક હોત, પણ તે પક્ષોની હિપોક્રસી ને જોતા મને ભાજપા જ બેસ્ટ ઓપ્શન લાગ્યો અને મેં ભાજપાને પસંદ કર્યો.

લતીફ અહમદખાનનું કહેવું છે કે જો કોઇ પોતાનું કામ પુરી લગનથી કહે તો પક્ષનું નેતૃત્વ તેને નજર અંદાઝ ન કરી શકે. ભાજપામાં પણ એવું જ છે. પણ તમે બીજા પક્ષો ને જૂઓ. ત્યાં તમને પરિવારવાર સીવાય કંઇ નહીં મળે. લતીફનો ઇશારો કોંગ્રેસ તરફ હતો.

અલ્તાફ ઠાકુર

પોલીટીકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજયુએટ અલ્તાફ ઠાકુર કાશ્મીર ભાજપાના પ્રવકતા છે. તે છેલ્લા સાત વર્ષોથી પક્ષના મીડીયા

પ્રભારી પણ છે. ભાજપા સાથે તે કોલેજના દિવસોથી જ જોડાયેલા છે.

અલ્તાફ ઠાકુર જણાવે છે, હું ર૦૦ર માં ભાજપમાં જોડાયો ત્યારે હું પોસ્ટ ગ્રેજયુએશન કરી રહ્યો હતો. ત્યારે હું યુનિવર્સિટી કેમ્પસમાં દેશપ્રેમને પ્રમોટ કરી રહયો હતો. જો કે હું પક્ષના અંડર કવર ઓપરેટીવ તરીકે કામ કરતો હતો.

આ દરમ્યાન યુનિવર્સિટીમાં અલ્તાફ પર જીવલેણ હૂમલો થયો હતો. તે હુમલામાં તે બાલ બાલ બચી ગયો હતો. ઠાકુર જણાવે છે, તે વખતે મારા પર એક પછી એક એમ ત્રણ આતંકવાદી હૂમલા થયા હતા, પણ મારા મનમાં એવો વિચાર કયારેય નહોતો આવ્યો કે હું પણ છોડી દઉં.

અલ્તાફ ઠાકુર આર્ટીકલ ૩૭૦ અને ૩પ એ બાબતે  ભાજપની વિચાર ધારાનું ખુલ્લેઆમ સમર્થન પણ કરે છે. તેનું કહેવું છે કે કાશ્મીરમાં સુખ ચૈ ન માટે તેને હટાવી દેવી જોઇએ. કાશ્મીરનો દરજજો દેશના બીજા રાજયો જેવો જ હોવો જોઇએ તો જ ખીણમાં શાંતિ આવી શકશે.

ભાજપા મુસ્લિમો અને બીજી લઘુમતીઓ પર થતા હુમલાના આરોપીઓને છાવરે છે એવા પ્રશ્નના જવાબમાં ઠાકુર કહે છે કે એ બધુ વિરોધ પક્ષોની હીપ્યોક્રેસી છે અને તે લોકો જ નરેન્દ્ર મોદીને મુસ્લિમ વિરોધી ચીતરી રહ્યા છે. પણ તે સાચુ નથી. મેં ગુજરાતમાં જોયું છે કે ત્યાંના મુસ્લિમો ખુશ, સમૃધ્ધ અને સશકત છે.

નીલમ ગશ

એન્જીનીયરીંગનું ભણેલી ૩૩ વર્ષની નિલમ ગશની રૂચી કયારેય તેમાં નહોતી રહી. તેણે પહેલા એક એનજીઓમાં કામ કર્યુ અને પછી કોમ્પ્યુટર એપ્લીકેશનમાં માસ્ટર ડીગ્રીના અભ્યાસ માટે દિલ્હી ચાલી ગઈ. ત્યાર પછી તેણે દિલ્હીની જ એક કંપનીમાં રીલેશનશીપ મેનેજરની જવાબદારી સંભાળી. લગભગ ચાર વર્ષની નોકરી પછી તે રાજીનામુ આપીને સીવીલ સર્વિસની તૈયારીમાં લાગી ગઈ. જો કે ત્યાં તેને સફળતા ન મળી તો તેણે રાજકારણમાં જવાની ઈચ્છાથી કોંગ્રેસમાં જોડાઈ ગઈ.

૨૦૧૪માં ભાજપાના સ્થાનિક નેતાઓની નજર તેની ક્ષમતા પર પડી અને પછીની વિધાનસભા ચૂંટણીમાં તેને ભાજપાની ટીકીટ અપાઈ હતી. શ્રીનગરમાં આવેલ ભાજપા ઓફિસમાં વાતચીત કરતા ગશે કહ્યું 'હું હંમેશા રાજકારણમાં આવવા ઈચ્છતી હતી, પણ ભાજપાની ટીકીટની ઓફર મારા માટે ચોંકાવનારી હતી. મને ત્યારે ખબર પડી કે કાશ્મીરમાં ભાજપાની ઉપસ્થિતિ છે.'

નિલમ ગશ જણાવે છે, 'આ બાબતે નિર્ણય લેવામાં મને વધુ સમય નહોતો લાગ્યો. મેં કુટુંબ સાથે ચર્ચા વિચારણા કરી. પપ્પાએ મને રજા આપી હતી પણ મને ધ્યાન રાખવાની સલાહ આપી હતી અને આમ મેં ચૂંટણી લડવાની હા કહી હતી.

નિલમના પિતા એક ડોકટર છે અને તે લગભગ એક દાયકા સુધી તેમની સાથે ઈરાનમાં રહી ચુકી છે. ભાજપાએ તેને  શ્રીનગરની જાદીબલ વિધાનસભા બેઠકની ટીકીટ આપી હતી. નિલમનું જન્મ સ્થળ પણ તે જ હતું પણ ચૂંટણી પ્રચાર માટે તેની પાસે ઓછો સમય હતો, જેના લીધે તેને ફકત ૩૧૬ મત જ મળ્યા હતા.

જો કે ગશ તેનાથી નિરૂત્સાહ નથી થઈ. તે કહે છે, 'આ રીતે ભારતમાં ચૂંટણી લડનાર તે પહેલી શીયા મુસ્લિમ મહિલા બની છે અને તેનો મને ગર્વ છે. આ સાથે જ તે કહે છે, 'આર્ટીકલ ૩૭૦ હોય કે બીજુ કંઈ, પક્ષના વલણ સાથે હું સંપૂર્ણ સહમત છું.'

જાવેદ કાદરી

દક્ષિણ કાશ્મીરમાં આવેલ શાપીયા ખીણ સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. આ વિસ્તારના ડઝનબંધ યુવાનો હાલમાં ચરમપંથ તરફ આગળ વધતા જોવામાં આવ્યા છે. મુખ્ય વિચારધારા સાથે જોડાયેલા રાજકારણીઓ માટે ત્યાં જવુ લગભગ નામુમકીન માનવામાં આવે છે. અહીં છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન કેટલાય કાર્યકર્તાઓના અપહરણ અને હત્યાના બનાવો સામે આવી ચૂકયા છે. આતંકવાદીઓના હાલમાં જ શિકારર બનનાર પુલવામાના ભાજપા નેતા શબ્બીર અહમદ હતા, જેને બકરી ઈદના દિવસે તેના ઘરની પાસે જ આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.

જો કે આ આતંકવાદી ઘટનાઓનો ડર ૩૪ વર્ષના જાવેદ કાદરીને ડગાવી નથી શકયો. ભૂતપૂર્વ સરપંચ જાવેદ કાદરી ૨૦૧૪માં ભાજપામાં જોડાયા હતા અને પક્ષની ટીકીટ પર વિધાનસભાની ચૂંટણી પણ લડયા. જો કે તે જીતી નહોતા શકયા, તેને ફકત ૩૭૦૦ મત મ ળ્યા હતા.

શાપીયાથી લગભગ પાંચ કિલોમીટર દૂર મુશેબરા ગામમાં પોતાના સફરજનના બગીચામાં આવેલ પોતાના ઘરમાં વાતચીત કરતા કાદરી કહે છે, 'અહીંયા કોઈ રાજકારણી નથી, મને ખબર નથી કોઈ  ધારાસભ્ય છેલ્લે અહીં કયારે આવ્યો હતો એટલે હું લોકોને મદદ કરી રહ્યો છું. આજુબાજુ ગામમાંથી પણ લોકો મને મળવા રોજ આવે છે. જ્યારે પણ સેના કોઈ સ્થાનિક છોકરાને પકડે છે અથવા તેમના મોબાઈલ ચોરાય કે છીનવી લેવાય તો હું જઈને તેમની મદદ કરૂ છું.'

જો કે ઉલ્લેખનીય વાત એ છે કે, કાદરીને ભારે સુરક્ષા બંદોબસ્ત અપાયો છે. તેનુ કહેવુ છે કે તે ભાજપાના સીપાઈ છે અને પણે તેને લોકો વચ્ચે રહેવાનું કહ્યું છે. તે કહે છે 'જો હું મરી જઈશ તો પણ લોકો મારા સારા કામને તો યાદ કરશે.'

(3:53 pm IST)
  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST