Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

૧ કરોડ યુવાનોને નોકરી આપશે મોદીઃ

૧ લાખ કરોડનો થશે ખર્ચઃ બનાવશે મેગા એમ્પ્લોયમેન્ટ ઝોનઃ કોંગ્રેસ સહિતના વિપક્ષોની બોલતી બંધ કરશે સરકાર

નવી દિલ્હી, તા. ૧૪ :. આવતા વર્ષે લોકસભા ચૂંટણી થવાની છે. વડાપ્રધાન મોદી નોકરીઓના મુદ્દે વિરોધ પક્ષોના નિશાન પર છે. તેમણે ૨૦૧૪ની ચૂંટણીમાં દર વર્ષે ૨ કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું, એટલે ચૂંટણીના વર્ષમાં મોદી સરકારે એક કરોડ યુવાનોને નોકરી આપવાની પહેલ શરૂ કરી છે. જેના માટે એક લાખ કરોડ રૂપિયા ખર્ચાશે તેવુ અનુમાન છે.

ઈકોનોમીક ટાઈમ્સ અનુસાર સરકાર રાષ્ટ્રીય સ્તરે મેગા એમ્પ્લોયમેન્ટ ઝોન બનાવવાની તૈયારીમાં છે જે આવતા ૩ વર્ષમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે એક કરોડ યુવાઓને રોજગાર આપશે. નોકરી આપવાનું આ સૂચન નિતી આયોગની સલાહ પર શિપિંગ મંત્રાલય તરફથી આવ્યું છે.

યોજના અનુસાર શિપિંગ મંત્રાલયે દરીયા કિનારાવાળા રાજ્યોમાં ૧૪ નેશનલ એમ્પ્લોયમેન્ટ ઝોન સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મુકયો છે. જેમાં ફુડ, સિમેન્ટ, ફર્નિચર અને ઈલેકટ્રોનીકસ સેકટર ઉપરાંત પરંપરાગત રીતે કપડા, ચામડુ અને જેમ્સ, જ્વેલરી સેકટર સામેલ છે, એટલે નોકરીઓ આ જ સેકટરની હશે. યોજના અનુસાર આ ઝોનમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે લગભગ ૧ લાખ કરોડનો ખર્ચ થશે. જે કેન્દ્ર અને સંબંધીત રાજ્ય સરકારો ભોગવશે. બધા સંબંધીત રાજ્યોમાં ઝોનની સ્થાપના માટે લગભગ ૨૦૦૦ એકરની જમીનની પણ જરૂર પડશે.(૨-૫)

(12:02 pm IST)