Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

દક્ષિણ દિલ્હીની ખીડકી મસ્જિદની સંરક્ષણ કામગીરી દરમિયાન મધ્યકાલીન ભારતના ૨પ૪ સિક્કાઓ મળ્યા…

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીમાં સ્થિત 14મી શતાબ્દીની ખીડકી મસ્જિદના સંરક્ષણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અહિ મધ્યકાલીન યુગનો ખજાનો મળી આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)ને એવો ખજાનો હાથ લાગ્યો છે. જેમાં મધ્યકાલીન ભારતના 254 સિક્કાઓ મળી આવ્યાં છે.

પુરાતત્વ ખાતાંનું કહેવું છે કે આ સિક્કા સૂરી સામ્રાજ્યના છે. જે 16મી સદી અથવા તેની પહેલાની વાત છે. 254 સિક્કા ભરેલો આ ઘડો મસ્જિદમાં અંદર જવા માટેની સીડીઓ પાસે મળી આવ્યો હતો. આ એરિયાની નાકાબંધી કરવામાં આવી છે. જ્યાં સુધી તપાસ પૂરી નહિ થાય ત્યાં સુધી આ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે સિક્કા એક માટીના ઘડામાં હતાં. એએસઆઈ અધિકારીએ જણાવ્યું કે,’આ સિક્કાઓ પર બન્ને તરફ અરબી અથવા ફારસી ભાષામાં લેખ લખવામાં આવ્યો છે. તેનો શું અર્થ છે એ તો હજુ ખબર નથી પડી. પ્રાચીન કાળમાં દરેક સિક્કા એક જ આકાર અથવા વજનના નહોતાં. આ સિક્કાનો આકાર અને વજન પણ અલગ છે. તેનું મૂલ્ય હજુ આંકવામાં આવ્યું નથી.’

અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે ક્લિયરન્સ દરમિયાન આ સિક્કા મળી આવ્યાં હતાં. આ સિક્કા પર છપાયેલા લેખને સમજવાની કોશિશ શરુ કરવામાં આવી છે. આ કામ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

(4:59 pm IST)