Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

2021માં ડિજીટલ કરન્સી રાખવા બાબતે ભારત 20 દેશોમાં 7માં ક્રમે : 12.7 ટકા સાથે યૂક્રેન સૌથી ટોચ પર

સંયુકત રાષ્ટ્રસંઘના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 7 ટકાથી પણ વધુ લોકો પાસે ક્રિપ્ટો કરન્સી : કોરોનાકાળ દરમિયાન ડિજિટલ કરન્સીમાં રોકાણ વધ્યું

નવી  દિલ્લી તા.14 : યુનાઈટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ બોડી UNCTAD અનુસાર, 2021 માં 7 ટકાથી વધુ ભારતીયો પાસે ક્રિપ્ટોકરન્સીના સ્વરૂપમાં ડિજિટલ ચલણ હતું, જેમાં વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ સહિત વિકાસશીલ દેશોમાં, COVID-19 મહામારી દરમિયાન ઝડપથી વધારો થયો છે. ભારતમાં પણ ડિજીટલ કરન્સી ઇન્વેસ્ટમેન્ટમાં આ દરમિયાન જ વધારો થયો હતો એમ યુએનના વ્યાપાર અને વિકાસ સંમેલનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

 

UNCTADના જણાવ્યા અનુસાર ગત 2021ના વર્ષ દરમિયાન દુનિયાની 20 અર્થ વ્યવસ્થાઓ વસ્તીની દ્વષ્ટીએ ક્રિપ્ટો કરન્સીમાં આગળ હતી જેમાં 12.7 ટકા સાથે યૂક્રેન સૌથી ટોચ પર હતું. 2021માં ડિજીટલ કરન્સી રાખવા બાબતે ભારતનો આ 20 દેશોમાં 7માં ક્રમે સમાવેશ થાય છે. યુક્રેન પછી રશિયા 11.9 ટકા, વેનેઝુએલા 10.3 ટકા, સિંગાપુર 9.4 ટકા અને અમેરિકાના 8 ટકા લોકો પાસે ક્રિપ્ટો કરન્સી છે. ક્રિપ્ટો કરન્સી ભારતમાં 10 વર્ષ પહેલા આવી હતી. આ ડિજીટલ ચલણની માન્યતા અને કાયદેસરતા હંમેશા શંકાના ઘેરાવામાં રહી છે. સરકાર હંમેશા શંકાની દ્વષ્ટીએ જોતી રહી છે. 2018માં તો ભારતની કેન્દ્રીય બેંકે તો ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકી દીધો હતો. ત્યાર પછી સુપ્રિમકોર્ટે આ પ્રતિબંધ દૂર કર્યા પછી ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ ભારતમાં ઝડપથી વધતું ગયું હતું.

એક સંશોધન માહિતી મુજબ ભારતમાં જુન 2021 સુધીમં ક્રિપ્ટો કરન્સીનું બજાર 650 ટકા વધી ગયું હતું. ત્યાર પછીના સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે ક્રિપ્ટો અને એનએફટીને વર્ચ્યૂઅલ ડિજીટલ સંપતિ ગણીને તેની આવક પર 30 ટકા ટેકસ લગાવ્યો હતો. એટલું જ નહી 1 ટકો ટીડીએસ અલગથી જોડવામાં આવ્યો હતો. ભારતની મુખ્ય બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વર્ચ્યૂએલ કરન્સી બાબતે રોકાણકારોને હંમેશા ચેતવણી આપતી રહી છે એટલું જ નહી ડિજીટલ રુપિયાને પણ મેદાનમાં ઉતારવાનું નકકી કર્યુ હતું.

 

(11:52 pm IST)