Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં 74 લાખથી વધુ કેસોનો નિકાલ કરાયો : 2022ની સાલમાં ભરાયેલી કુલ 3 લોક અદાલતમાં કેસોના નિકાલનો આંકડો 2.2 કરોડને પાર

ન્યુદિલ્હી : નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) અને દેશભરની કાનૂની સેવા સત્તામંડળોના નેજા હેઠળ NALSAના કાર્યકારી અધ્યક્ષ જસ્ટિસ અને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી સિવાયના તમામ 35 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13 ઓગસ્ટ 2022ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં ફુલ ડ્રેસ રિહર્સલને કારણે લોક અદાલત મોકૂફ રાખવામાં આવી છે. હવે તેનું આયોજન 21મી ઓગસ્ટ'22ના રોજ કરવામાં આવશે

રિપોર્ટ અનુસાર, 74 લાખથી વધુ કેસનો નિકાલ થયો હોવાનું નોંધાયું છે, જેમાં 16.45 લાખ પેન્ડિંગ અને 58.33 લાખ પ્રિ-લિટિગેશન કેસ સામેલ છે. સેટલમેન્ટ રકમનું કુલ મૂલ્ય આશરે ₹5,039 કરોડ છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે સમગ્ર પ્રક્રિયા અને કાર્યવાહીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે પોતે એક પ્રારંભિક પગલા તરીકે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષો અને સભ્ય સચિવો સાથે વાર્તાલાપ કર્યો અને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું અને તમામ રાજ્યોને લોક અદાલતની તૈયારી કરવા પ્રેરણા આપી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉની બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ₹9,422 કરોડની પતાવટની રકમ સાથે કુલ 95,78,209 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. NALSAના સભ્ય સચિવ શ્રી પુનીત સેહગલે જણાવ્યું હતું કે, "તે જાણીને આનંદ થાય છે કે આ વર્ષે યોજાયેલી ત્રણ લોક અદાલતો અગાઉના વર્ષના રેકોર્ડને વટાવી ગઈ છે કારણ કે અત્યાર સુધીમાં નોંધાયેલા નિકાલજોગ કેસોની સંખ્યા 2.2 કરોડને વટાવી ગઈ છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)