Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ગોપાલ વિટ્ટલ ફરીથી બનશે એરટેલના MD અને CEO

ભારતી એરટેલના શેરધારકોએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગોપાલ વિટ્ટલની પુનઃનિયુક્તિના પ્રસ્તાવને મંજૂરી આપી

મુંબઈ :ભારતી એરટેલના શેરધારકોએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગોપાલ વિટ્ટલની પુનઃનિયુક્તિના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 12 ઓગસ્ટે આયોજિત કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) સંબંધિત સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં આ જાણકારી આપવામાં આવી છે. આ મુજબ, શેરધારકોના 97 ટકાથી વધુ મતો વિટ્ટલની પુનઃનિયુક્તિની તરફેણમાં હતા અને તે જરૂરી બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે

કંપનીની વાર્ષિક સાધારણ સભામાં વિટ્ટલને મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પગારની ચૂકવણી અંગેના વિશેષ પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમનો નવો કાર્યકાળ પાંચ વર્ષનો હશે અને 1 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે.

વિટ્ટલની 1 ફેબ્રુઆરી 2018ના રોજ પ્રથમ વખત એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમનો વર્તમાન કાર્યકાળ 31 જાન્યુઆરી 2023 ના રોજ સમાપ્ત થવાનો હતો.

 વર્તમાન નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતી એરટેલનો એકત્રિત  ચોખ્ખો નફો પાંચ ગણાથી  વધીને રૂ. 1,607 કરોડ થઈ ગયો છે. એરટેલે સોમવારે શેરબજારોને આ માહિતી આપી હતી. અગાઉ, નાણાકીય વર્ષ 2021-22 ના સમાન ક્વાર્ટરમાં, કંપનીનો ચોખ્ખો નફો 283.5 કરોડ રૂપિયા હતો. કંપનીની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક જૂન 2022માં પૂરા થયેલા ક્વાર્ટરમાં લગભગ 22 ટકા વધીને રૂ. 32,805 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 26,854 કરોડ હતી.

દેશમાં ભારતી એરટેલની મોબાઈલ સર્વિસ રેવન્યુ 27 ટકા વધીને રૂ. 18,220 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 14,305.6 કરોડ હતી.

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલે ઈન્ટરનેટ જાયન્ટ ગૂગલને 734 રૂપિયા પ્રતિ શેરના ભાવે 7.1 કરોડથી વધુ ઈક્વિટી શેર ફાળવ્યા છે. એરટેલે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે આ ફાળવણી એરટેલમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની ગૂગલની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કરવામાં આવી છે. આમાં કંપનીમાં 70 કરોડ ડોલર (લગભગ રૂ. 5,224 કરોડ)ના ઇક્વિટી રોકાણનો સમાવેશ થાય છે.

એરટેલે જણાવ્યું હતું કે 14 જુલાઈએ કંપનીના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ પર ડિરેક્ટર્સની વિશેષ સમિતિની બેઠકમાં ગૂગલ ઇન્ટરનેશનલ એલએલસીને પાંચ રૂપિયા ફેસ વેલ્યુના શેર 734 રૂપિયા પ્રતિ શેરની ઈસ્યુ કિંમતે ફાળવવા મંજૂરી આપવામાં આવી.

(12:23 am IST)