Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની સૌથી લાંબી ઈનિંગ્સ

વાજપેયીના ૨૨૬૮ દિવસનો રેકોર્ડ તોડી નાંખ્યો : દિલ્હી આવતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૧થી સતત ૧૩ વર્ષ સુધી ગુજરાતમાં મુખ્યપ્રધાનની ફરજ નીભાવી હતી

નવી દિલ્હી,તા. ૧૪ :  બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સૌથી વધુ સમય સત્તા સંભાળવાનો રેકોર્ડ કર્યો છે. મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પાછળ છોડી દીધા હતા. શુક્રવારે વડાપ્રધાન મોદી બિન કોંગ્રેસી વડા પ્રધાનોમાં સૌથી લાંબા સમય સુધી એ પદ પર રહેનાર બની ગયા છે. તેમણે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ૨૨૬૮ દિવસનો રેકોર્ડ તોડયો હતો.

સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન બનાનારાઓમાં પંડિત જવાહર લાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી અને ડો.મનમોહન સિંહનો સમાવેશ થાય છે. વડાપ્રધાનપદના બીજા કાર્યકાળમાં મોદી હજુ પણ અડિખમ છે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. ૨૦૧૪માં મોદીના નેતૃત્વમાં ભાજપે તમ ામ પક્ષોને માત આપી હતી અને જંગી બહુમતીથી લોકસભાની ચૂંટણી જીતી હતી. ત્રણ દાયકામાં આટલી જંગી બહુમતીથી જીતનાર પણ ભાજપ  પ્રથમ પક્ષ બન્યો હતો. નવી દિલ્હી આવતા પહેલાં મોદીએ ૨૦૦૧થી  સતત ૧૩ વર્ષ સુધી ગુજરાતમાં મુખ્યપ્રધાનની ફરજ નીભાવી હતી. ૧૯૭૧માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. ૧૯૭૫-૭૭ની કટોકટી દરમિયાન તેઓ છુપાઇને રહ્યા હતા અને કેટલાક પુસ્તકો લખ્યા હતા. ૧૯૮૫માં સંઘે તેમને ભાજપમાં મોકલ્યા હતા અને કેશુભાઇ પટેલને વિદાય અપાઇ ત્યાં સુધી અનેક હોદ્દાઓ પર રહ્યા હતા.  ૨૦૧૩માં કોંગ્રેસ નબળી પડતા અને ભ્રષ્ટાચરના અનેક કેસ જાહેર થતાં ભાજપે મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ ધર્યા હતા. પહેલી ટર્મમાં તેમણે વહીવટ પર નિયંત્રણ લઇ લીધો હતો. સ્વચ્છ ભારત અને મેક ઇન્ડિયા જેવા કેટલા કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા. પરંતુ નોટબંધી અને જીએસટીના કારણે તેઓ ખુબ વગાવાયા હતા.

(7:51 pm IST)