Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

પોઝિટિવ કેસોની બાબતમાં ભારત બીજા સ્થાને પહોંચ્યું

૨૪ કલાકમાં દર્દીઓમાં વધુ ૬૭ હજારનો ઉમેરો : અમેરિકામાં હાલ ૩૨. ૭૬ લાખ એક્ટિવ કેસ : ભારતમાં એક્ટિવ કેસનો આંકડો ૬ લાખ ૫૩ હજાર પર પહોંચ્યો

નવી દિલ્હી,તા. ૧૪ : કોરોના મહામારી અંગે ભારત માટે એક ખરાબ સમાચાર છે. પોઝિટિવ કેસોની બાબતે અમેરિકા પછી બ્રાઝિલને બાજુ પર રાખીને ભારત બીજા નંબરે આવી ગયું છે. અમેરિકામાં હાલ ૩૨. ૭૬ લાખ એક્ટિવ કેસ છે. એની  સામે  ભારતમાં એક્ટિવ કેસનો આંકડો ૬ લાખ ૫૩ હજાર પર પહોંચ્યો હતો. કોરોનાગ્રસ્તોનો કુલ આંકડો  ૨૪ લાખ પર પહોંચ્યો હતો. અગાઉ અમેરિકા પછી બીજા ક્રમે બ્રાઝિલમાં સૌથી વધુ કેસ હતા.

અત્યાર સુધીમાં કોરોનાના પગલે થયેલાં મૃત્યુનો આંકડો ૪૭ હજાર ૩૩ પર પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસથી રોજ સરેરાશ ૬૦ હજાર નવા કેસ આવતાં ભારત બ્રાઝિલને હંફાવીને બીજા ક્રમે પહોંચવાની તૈયારીમાં હતું. અમેરિકામાં કુલ કેસ ૫૧ લાખ ૯૭ હજાર હતા જેમાં સક્રિય (એક્ટિવ) કેસનો આંકડો ૩૨ લાખ ૭૬ હજારનો હતો. બ્રાઝિલમાં કુલ કેસનો આંકડો ૩૧ લાખ ૬૪ હજારનો હતો. ગુરૂવારે સાંજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ૬૭ હજાર કેસ નવા આવતાં ભારતમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા ૨૩ લાખ ૯૬ હજાર ૬૩૮ની થઇ હતી. એમાં આશ્વાસન જેવા સમાચાર એ હતા કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે રજૂ કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં બે લાખ ૬૮ હજાર કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા હતા.બુધવારથી ગુરૂવાર વચ્ચે દેશમાં કુલ ૮ લાખ ૩૦ હજાર ટેસ્ટ પૂરા થયા હતા.

દેશમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં હતી. અહીં છેલ્લા એક સપ્તાહના પહેલા ત્રણ દિવસમાં ૧૨ હજારથી વધુ કેસ નોંધાયા હતા. એને કારણે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કેસનો આંકડો પાંચ લાખ પાંત્રીસ હજારથી પણ વધી ગયો હતો અને મૃત્યુનો આંકડો ૧૮, ૬૫૦નો થયો હતો. દેશમાં કોરોનાના કુલ કેસના એક તૃતિયાંશ જેટલા કેસ એકલા મહારાષ્ટ્રમાં છે. ચેપને નાથવામાં રાજ્ય સરકારને સફળતા મળી નથી.

(7:45 pm IST)