Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગંભીર પ્રકારના રોગ કરી શકે તેવા પેથોજન્સ ધરાવતા બિયારણનાં અજાણ્યા પાર્સલથી સાવચેત રહેવા અપીલ કરતા ખેતી નિયામક

અમેરિકા, કેનેડા, યુકે, જાપાન અને યુરોપ સહિતના દેશોમાં બેનામી બીજના આવા પાર્સલ મળ્યા:અમરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા આ બાબતને “એગ્રીકલ્ચર સ્મલિંગ” ગણાવ્યું" આ બીજથી સમગ્ર ઈકો સિસ્ટમ અને ખેતી ઉપર જોખમ ઉભી થવાની શકયતા

નવી દિલ્હી :ગંભીર પ્રકારના રોગ કરી શકે તેવા પેથોજન્સ ધરાવતા બિયારણના અજાણ્યા પાર્સલથી સાવચેત રહેવા રાજ્યનાં ખેતી નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે. વિવિધ દેશોમાં બેનામી બીજના આવા પાર્સલ મળ્યા હોવાનું ભારત સરકારના ધ્યાને આવ્યું છે જેને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા “એગ્રીકલ્ચર સ્મલિંગ” ગણાવ્યું છે.

બિયારણના અજાણ્યા પાર્સલમાં રહેલા જોખમો અંગે સાવચેત રહેવા સંદર્ભે ભારત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર મંત્રાલયના ડેપ્યુટી કમિશ્નરના ઓફિસ મેમોરેન્ડમમાં જણાવ્યા મુજબ અમેરિકા, કેનેડા, યુકે, ન્યુઝીલેન્ડ, જાપાન અને યુરોપના દેશોમાં બેનામી અથવા તો અજાણ્યા નામે કે અજાણી જગ્યાએથી ખોટા લેબલવાળા બીજના પાર્સલો મળ્યા હોવાનું ધ્યાને આવ્યુ છે.

કેટલાક મહિનાથી હજારો બિયારણના શંકાસ્પદ શીપમેન્ટ વિશ્વના અનેક દેશોમાં મળ્યા છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા આ બાબતને “એગ્રીકલ્ચર સ્મલિંગ” ગણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત આવા શંકાસ્પદ બિયારણ ગંભીર પ્રકારના રોગ કરી શકે તેવા પેથોજન્સ (રોગકારકો) ધરાવતા હોવાનું અને તેના કારણે સમગ્ર પર્યાવરણ (ઈકો સિસ્ટમ), ખેતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર જોખમ ઉભી થવાની શકયતા હોવાનું દર્શાવવામાં આવ્યુ છે.

જેને ધ્યાને રાખીને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, બીજ સંશોધન અને સંગઠનો વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સંગઠનો તેમજ કોર્પોરેશનોને આવા સંદિગ્ધ બીજ પાર્સલથી સચેત રહેવા ગુજરાતનાં ખેતી નિયામકશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

(6:45 pm IST)