Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રિઝર્વ બેંક કેન્દ્રને ૫૭,૦૦૦ કરોડ ડિવિડન્ડ પેટે આપશે

કોરોનાના લીધે સરકારનો આવકનો સ્ત્રોત ઘટી ગયો : સરકારે આરબીઆઈ, સરકાર સંચાલિત નાણાકીય કંપનીઓ પાસેથી ૬૦,૦૦૦ કરોડના ડિવિડન્ડની જોગવાઈ કરી છે

નવી દિલ્હી,તા. ૧૪ : રિઝર્વ બેક્ન ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે કેન્દ્ર સકારને રૂપિયા ૫૭,૦૦૦ કરોડનું ડિવિડન્ડ આપ્યું છે. કેન્દ્ર સરકાર રૂપિયા ૬.૬૨ લાખ કરોડની વિક્રમી મહેસૂલી ખાધનો સામનો કરી રહી છે ત્યારે આરબીઆઈએ આ નાણાકીય વર્ષ માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે. કોરોના વાયરસ મહામારીને પગલે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન સરકાર પાસે આવકનો સ્ત્રોત ઘટી ગયો છે તેને કારણે મહેસૂલી ખાધમાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે.

શુક્રવારે આરબીઆઈના બોર્ડની ૫૮૪મી બેઠક મળી હતી જેમાં કેન્દ્ર સરકાર માટે રૂપિયા ૫૭,૧૨૮ કરોડનું ડિવિડન્ડ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલની આર્થિક સ્થિતિની સમીક્ષા કરીને આ ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર આરબીઆઈ પાસેથી ડિવિડન્ડ વધારવા માટે દબાણ કરી રહી છે. બજેટ ૨૦૨૦-૨૧ પ્રમાણે આરબીઆઈ અને અન્ય સરકાર સંચાલિત નાણાકીય કંપનીઓ પાસેથી સરકારે રૂપિયા ૬૦ હજાર કરોડના ડિવિડન્ડની જોગવાઈ કરેલી છે. ગયા વર્ષે આરબીઆઈએ કેન્દ્ર સરકારને રૂપિયા ૧.૦૭૬ લાખ કરોડનું ચુકવણું કર્યું હતું. જેમાં રૂપિયા ૧.૨૩ લાખ કરોડ ડિવિડન્ડ અને રૂપિયા ૫૨,૬૪૦ કરોડ સરપ્લસ સામેલ હતા.

સરકારી ફાઈનાન્સ કંપનીના મેનેજર તરીકે, રિઝર્વ બેક્ન દર વર્ષે કેન્દ્ર સરકારને તેના નાણાકીય ટાર્ગેટ પૂરા કરવા માટે આ રીતે ડિવિડન્ડ આપતી હોય છે. નાણાકીય કટોકટીની સ્થિતિમાં કેન્દ્ર સરકારને આ રીતે સરકાર સંચાલિત નાણાકીય કંપનીઓ પાસેથી આવક મળતી હોય છે.

(7:43 pm IST)