Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોમી એકતાનું જોરદાર ઉદાહરણ

અયોધ્યા મસ્જીદના પાયા માટે ચાંદીની ઇંટ આપશે કાશીના સંત

અયોધ્યા તા. ૧૪ : અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન પછી હવે મસ્જીદ નિર્માણ માટેની કસરતો શરૂ થઇ ગઇ છે. સુન્ની વકફ બોર્ડે મસ્જીદ નિર્માણ માટે 'ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ'ની રચના કરી છે લખનૌના બર્લિંગ્ટનમાં મસ્જીદ ટ્રસ્ટની નવી ઓફીસ પણ લેવાઇ ગઇ છે.

જયાં ટુંક સમયમાં ટ્રસ્ટની મીટીંગ થશે શ્રીરામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જેમ સુન્ની વકફ બોર્ડ પણ મસ્જીદ નિર્માણ માટે ખાતું ખોલવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમ્યાન નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી આશુતોષાનંદ ગિરીએ કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડતા કહ્યું છે કે અયોધ્યામાં બનનારી મસ્જીદના પાયામાં રાખવા માટે ચાંદીની ઇંટ તેઓ ભેટ આપશે.

મહામંડલેશ્વરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અયોધ્યામાં જે રીતે નિર્વિવાદ અને સૌના સહકારથી ભગવાન રામનું મંદિર બની રહ્યું છે તેજ રીતે મસ્જીદનું પણ નિર્માણ જલ્દી થવું જોઇએ જેથી અયોધ્યામાંથી આખા વિશ્વમાં કોમી એકતાનો સંદેશ ફેલાય. સંત સમાજની આવી જ કામના છે.

તેમણે કહ્યું કે પાંચ એકર જમીન પર હિન્દુ અને મુસલમાન મળીને ભવ્ય મસ્જીદનું નિર્માણ કરે તો ફકત મસ્જીદ જ નહી બને પણ પ્રેમ વધશે મહામંડલેશ્વરે અપિલ કરતા કહ્યું કે જે રીતે ગુરૂદ્વારાઓમાં હિન્દુ સમાજના લોકો જાય છે તેમજ રામનગરી અયોધ્યામાં આવેલા લોકો રામલલાના દર્શન પછી મસ્જીદમાં જરૂર જાય.

(12:11 pm IST)