Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

પર્યુષણમાં દેરાસર તથા ઉપાશ્રય નહીં ખુલી શકેઃ મહારાષ્ટ્ર સરકારનો મુંબઇ હાઇકોર્ટમાં જવાબ

જૈન સમાજ દ્વારા પૂજા કરવા દેવા મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરાયેલઃ રાજય સરકારના નિર્ણયને સુપ્રીમમાં પડકારવા તજવીજ

મુંબઇ તા. ૧૪ : મુંબઇમાં અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કોવિડના કેસોને કારણે જૈનોના પર્યુષણ પર્વ દરમ્યાન દેરાસરો અને ઉપાશ્રયો ખોલવા બાબતની જૈનોની વિનંતીનો સરકારે સ્પષ્ટ અસ્વીકાર કરી દીધો છે. આંધ્રા પ્રદેશમાં તિરૂમલા તિરૂપતિ બાલાજી મંદિર ખોલ્યા બાદ કોવિડના વધેલા કેસોનું દ્રષ્ટાંત આપીને મુંબઇ હાઇ કોર્ટને જૈનોના ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપવાનો રાજય સરકારે ઇનકાર કરી દીધો છે.

ભાંડુપના જૈન શ્રાવક અંકિત વીરા, આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી ટ્રસ્ટ, કાંદિવલી અને ભાયખાલાના મોતીશા શેઠ ટ્રસ્ટ દ્વારા પર્યુષણ પર્વ દરમ્યાન દેરાસરો ખુલ્લાં રાખવાની પરવાનગી આપવા માટે મુંબઇ હાઇકોર્ટમાં ૭ ઓગસ્ટે અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં રાજય સરકાર ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ આપે એવી અપીલ કરવામાં આવી હતી. આ અરજીમાં અરજદારો વતી એડવોકેટ ગુંજન સંઘરાજકા, પ્રકાશ શાહ અને સિનિયર એડ્વોકેટ પ્રફુલ શાહ જસ્ટિસ એસ.જે. કાથાવાલા અને જસ્ટિસ માધવ જામદારની બેન્ચ સમક્ષ હાજર રહ્યા હતા.

અરજદારોએ તેમની પિટિશનમાં કહ્યું હતું કે 'શહેરમાં જયારે કોવિડ ઉગ્ર રીતે ફેલાયો હતો ત્યારે સરકાર તરફથી લગ્નપ્રસંગોને પ૦ માણસોની હાજરી સાથે છુટ આપવામાં આવી હતી. એની સાથે મોલ્સ, શોપીંગ સેન્ટરો, મેરેજ-હોલ અને લિકર શોપ શરૂ કરવામાં આવ્યા છે તો ધાર્મિક સ્થળોને ખોલવા માટે પણ સરકારે પરવાનગી આપવી જોઇએ'.

અત્યારના કપરા કાળમાં આધ્યાત્મિક પ્રવૃતિઓ વધુ જરૂરી અને મહત્વની છે એમ જણાવીને અંકિત વીરા અને ટ્રસ્ટો તરફથી હાઇ કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે 'કેન્દ્ર સરકારે સામાજિક અંતર જાળવવાના નિયમોને અનુલક્ષીને ધાર્મિક-પૂજાનાં સ્થળોને ખોલવાની મંજુરી આપી છે અને મહારાષ્ટ્ર સરકારે પણ મહારાષ્ટ્ર ધાર્મિક સ્થળોને જરૂરી માર્ગદર્શિકા સાથે ખોલવા દેવા જોઇએ કોઇ પણ સમયે મંદિરો પર કોઇ ભીડ એકત્રિત ન થાય એ સુનિશ્ચિત કરવા માટે રાજય સરકાર મંદિરોમાં પ્રવેશ માટે અમુક સમયનો સ્લોટ અને વ્યકિતઓની સંખ્યા નકકી કરી શકે છે.'

જૈનોના અરજદારોની આ અપીલ સામે મંગળવારે હાઇકોર્ટે સકારાત્મક વલણ અપનાવ્યું હતું. હાઇકોર્ટે રાજયના ડિઝેસ્ટર મેનેજમેન્ટના નિયમો અનુસાર પર્યુષણ પર્વ દરમ્યાન દેરાસરો અને ઉપાશ્રયો ખુલ્લાં રાખવા દેવાં જોઇએ એની નોંધ લીધી હતી.

જો કે આજે ડિઝેસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરી કિશોર રાજે નિંબાલકરે ઇ-મેઇલથી હાઇ કોર્ટને જણાવ્યું હતું. કે જૈનોને પર્યુષણ પર્વ દરમ્યાન દેરાસરો અને ઉપાશ્રયો ખોલવાની પરવાનગી આપી શકાય એમ નથી. તેમણે કોર્ટના મંગળવારના આદેશનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે 'કોવિડ ફકત મહારાષ્ટ્રમાં જ નહીં, દેશ અને વિદેશમાં પણ વિકરાળ સ્વરૂપે ફેલાઇ રહ્યો છે. કોઇ પણ ધાર્મિક સ્થળોને ખુલ્લાં રાખવાની પરવાનગી આપ શકાય નહીં. આ બાબતને મોલ્સ, શોપિંગ સેન્ટરો, મેરેજ-હોલ અને લિકર શોપ સાથે સરખાવી શકાય નહીં, સરખાવવા જોઇએ પણ નહીં.'

આ વર્ષે દેશમાં અત્યાર સુધીના બધા તહેવારો જેમ કે ગુડીપડવા, રામનવમી, મહાવીર જન્મજયંતી, અષાઢી એકાદશી, રમઝાન ઇદ, બકરી ઇદ, અને જન્માષ્ટમીને લોકોએ તેમના ઘરમાં બેસીને  ઉજવ્યા છે એમ જણાવતાં ડિઝેસ્ટર મેનેજમેન્ટે કહ્યું હતું કે 'આ સિવાય  કેન્દ્ર સરકારે ર૯ જુલાઇએ કન્ટેનમેન્ટ ઝોનમાં અમુક નિયંત્રણો  સાથે ધમર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપી છે, જેની સામે આંધ્ર પ્રદેશનું તિરૂમલા તિરૂપતિ બાલાજી મંદિર ખોલ્યા બાદ મંદિરના ૭૪૩ પૂજારીઓ અને કર્મચારીઓ કોવિડ પોઝીટીવ આવ્યા હતા એ બહુ મોટુ દ્રષ્ટાંત છે. કોવિડ એક બહુ જ ખતરનાક ચેપી રોગ છે. કોઇપણ વ્યકિત સંક્રમણમાં આવતાં જ કોવિડના સકંજામાં આવી જાય છે. આ સંજોગોમાં જૈનોને પર્યુષણ પર્વમાં દેરાસરો અને ઉપાશ્રયો ખોલવાની પરવાનગી આપવી હિતાવહ નથી. આથી અમે તેમની અપીલ રિજેકટ કરીએ છીએ. અત્યારની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાગરૂક નાગરિકોએ આવી પરવાનગી માગવી પણ  ન જોઇએ.'

આ પહેલા મંગળવારે જ રાજય સરકાર તરફથી હાજર થયેલા પૂર્ણિમાં કંથારિયાએ સ્પષ્ટ કર્યુ હતું કે કેન્દ્ર સરકારની ર૯ જુલાઇની માર્ગદર્શિકાને માન્ય રાખવી કે નહીં એ રાજય સરકાર પર નિર્ભર કરે છે.

ડિઝેસ્ટર મેનેજમેન્ટના આ આદેશને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટના જસ્ટિસ એસ.જે. કાથાવાલાએ અરજદારોને કહ્યું છે. કે સરકારની નવી માર્ગદર્શિકાની રાહ જોઇએ.

અમે મહારાષ્ટ્ર સરકારના આજના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું વિચારી રહ્યા છીએ એમ જણાવતાં એડવોકેટ પ્રફુલ શાહ કહે છે, 'એક લઘુમતી સમાજને એમના તહેવારની ઉજવણીની પરવાનગી આપવી અને બીજા લઘુમતી સમાજને આ મુદ્દે ઇનકાર કરવો એવું સરકારે બેવડું ધોરણ ન રાખવું જોઇએ. આ અગાઉ સરકારે કોર્ટની મધ્યસ્થીથી એક સમાજને તહેવાર ઉજવવા માટે પરવાનગી આપી હતી. બીજું ઉત્તરાખંડમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી ધાર્મિક સ્થળોએ દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે પણ કન્ટેનમેન્ટ ઝોનની બહાર ધાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી આપી છે.ર૯ જુલાઇએ કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને ધાર્મિક સ્થળોમાં પ્રભુ-પ્રાર્થનાની છૂટ આપવામાં આવી છે. આથી રાજય સરકારના ડિઝેસ્ટર મેનેજમેન્ટના આજના આદેશને અમે સુપ્રિમ કોર્ટમાં પડકારીશું અમને પુરો વિશ્વાસ છે. કે પર્યુષણ પર્વમાં જૈનોનાં દેરાસરો અને ઉપાશ્રયો ખુલશે અને શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન અને આધ્યાત્મિક પ્રવૃતિઓ કરી શકશે.

મુંબઇ હાઇકોર્ટમાં હવે પછી આ બાબતે સુનાવણી ૭ સપ્ટેમ્બરે થશે.

(11:47 am IST)