Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

''એક વ્યકિત એક પદ''ની તરફેણમાં સોનિયા ગાંધીઃતો કેટલાય કોંગ્રેસી નેતાઓના પદ છિનવાઇ શકે છે

નવી દિલ્હી તા. ૧૪: કોંગ્રેસ પક્ષની કમાન ફરીથી સંભાળ્યા પછી સોનિયા ગાંધી ફરીથી સક્રિય થતા દેખાઇ રહ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોનિયા પક્ષમાં એક વ્યકિત એક પદનો સિધ્ધાંત અમલી બનાવવાની તરફેણમાં છે. જો આવું થશે તો ગુલામ નબી આઝાદ અને સચિન પાયલોટ સહિત કેટલાય મોટા નેતાઓના હોદ્દાઓ છિનવાઇ શકે છે. સુત્રો પાસેથી મળતી અનુસાર સોનિયા ગાંધી આ અંગે પક્ષના રણનીતિ કારો સાથે ચર્ચા કરી રહ્યા છે અને ટુંક સમયમાં તે અંગે નિર્ણય લેવાઇ શકે છે.

કોંગ્રેસ પક્ષમાં અત્યારે ઘણાં નેતાઓ પાસે ર અથવા ૩ હોદ્દાઓ છે. પક્ષના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ રાજયસભામાં વિપક્ષના નેતા હોવાની સાથે રાષ્ટ્રીય મહાસચિવ અને હરિયાણાના પ્રભારી પણ છે. રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિવ પાયલોટ પાસે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષનો હોદ્દો પણ છે.

આ જ રીતે નાના પટોળે કિસાન મજદૂર કોંગ્રેસના પ્રમુખ હોવાની સાથે સાથે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પ્રચાર સમિતિના પ્રમુખ છે. નિતિન રાઉત મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાની સાથે પક્ષના અનુસુચિત જાતિ સેલના અધ્યક્ષ છે. ઉમંગ સિંગાર મધ્ય પ્રદેશમાં કેબિનેટ પ્રધાન હોવાની સાથે ઝારખંડના પ્રભારી છે.

જો કે સોનિયા ગાંધી પોતે પણ કોંગ્રેસ પક્ષના વચગાળાના પ્રમુખ હોવાની સાથે સાથે સંસદમાં પક્ષના સંસદીય દળના નેતા પણ છે. પણ સુત્રો અનુસાર, સોનિયા ગાંધી પક્ષ પ્રમુખ હોવાના કારણે તેમને આ નિયમમાંથી બાકાત રાખી શકાય છે.

(3:34 pm IST)