Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અભિનંદન અંગે મોટો ખુલાસોઃ પાકિસ્તાને તેમને મારી નાખવાની સાજિશ રચી હતી

પાકિસ્તાને ભારતીય વોર રૂમની કોમ્યુનિકેશન સિસ્ટમને જામ કરી દીધી હતી

નવી દિલ્હી તા. ૧૪: પાકિસ્તાને એફ-૧૬ ફાઇટર પ્લેનને અંકુશ રેખા (એલઓસી) પરથી ખદેડવા દરમિયાન પાક. હસ્તકના કાશ્મીર (પીઓકે) માં જઇ પડેલા ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ત્યાંથી સુરક્ષિત ભારત ફરી શકતા હતા. પરંતુ પાકિસ્તાનની સાજિશને લઇને આમ થઇ શકયું નહોતું. પાકિસ્તાને અભિનંદનને મારી નાખવાની સાજિશ રચી હતી. પાકિસ્તાન ઇચ્છતું હતું કે તે ભારતીય જવાનને મારી નાખે, પરંતુ આવું કરી શકયું નહિં.

વાસ્તવમાં વોર રૂમથી અભિનંદને અંકુશ રેખા પાર કરતાં જ પરત આવવાનો સંદેશો મોકલવામાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાને પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમથી ભારતીય વોર રૂમ પરથી મોકલવામાં આવેલ સંદેશાને આંતરી લીધો હતો. જેના કારણે અભિનંદનને આ સંદેશો સંભળાયો નહોતો અને તેમને પાકિસ્તાની સરહદમાં ઉતરાણ કરવું પડયું હતું.

એક અખબારના અહેવાલ અનુસાર જો વિંગ કમાન્ડર અભિનંદનના મિગ-ર૧ ફાઇટર વિમાનમાં એન્ટી જામર ટેકનિક હોત તો અભિનંદન સંદેશો મળતાંની સાથે જ ભારતીય સરહદમાં પરત આવી ગયા હોત અને તેઓ પાકિસ્તાનમાં ઉતરાણ કરતાં બચી ગયા હોત, પરંતુ પાકિસ્તાન ઇચ્છતું હતું કે ઇન્ડિયન એરફોર્સના વિમાનની કોમ્યુનિકેશન સિસ્ટમ જામ કરી દેવામાં આવે અને ત્યારબાદ તેઓ વિમાનને ઘેરીને તેના કમાન્ડરને મારી શકે.

બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હુમલા બાદ ગભરાયેલા પાકિસ્તાને પોતાના એફ-૧૬ ફાઇટર વિમાન દ્વારા બે દિવસ બાદ ભારતની અંકુશરેખામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી એ વખતે ભારતીય વાયુદળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ-ર૧ વિમાન દ્વારા પાકિસ્તાની વિમાનને પરત ખદેડી મૂકયું હતું.

(3:31 pm IST)