Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કાશ્મીરીઓને ભડકાવવા ઇમરાનનો નવો પેંતરોઃ POKની મુલાકાત લેશે

અલગાવવાદીઓ સાથે કરશે બેઠકઃ મુઝફફરાબાદ વિધાનસભાને સંબોધશે

આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવામાં આવી તે બાદ કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. લોકોએ બહુ જ શાંતિપૂર્વક ઇદની ઉજવણી કરી હતી. પાકિસ્તાન ગમે તેમ કરીને કાશ્મીરીઓને આ મુદ્દે ભડકાવવા માગે છે તેથી જ રોજ આ મુદ્દે નિવેદનો કરી રહ્યું છે, જોકે પાકિસ્તાનના આ પ્રયાસો પર ભારતીય સૈન્ય અને પ્રશાસને પાણી ફેરવી દીધુ છે તેમ છતા પાક.ના હવાતિયા જારી છે.

બીજી તરફ એવા અહેવાલો છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીરીઓને ઉશ્કેરવા તેમજ પાક. સૈન્યને ભારતીય સૈન્ય વિરૂદ્ઘ ભડકાવવા માટે સરહદની મુલાકાત માટે આવશે. ઇમરાન ખાન પીઓકેની મુલાકાત માટે આવી રહ્યા છે ત્યારે તે જ સમયે પીઓકેમાં મોટા પ્રમાણમાં લોકો રસ્તા પર ઉતરશે અને રેલીઓ કાઢવામાં આવશે. આ રેલીઓ ભારત વિરોધી અને પાકિસ્તાનના વડા ઇમરાન ખાનના સમર્થનમાં કાઢવામાં આવશે.

પાકિસ્તાન સરકારે ૧૫મી ઓગસ્ટના દિવસને કાળો દિવસ તરીકે ઉજવવાની ડંફાશો મારી છે. આર્ટિકલ ૩૭૦ની નાબુદીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ નિર્ણય લીધો છે. જયારે ઇમરાન ખાન પાકિસ્તાનના સ્વતંત્રતા દિન ૧૪મી ઓગસ્ટના રોજ પીઓકે આવશે. પીઓકેમાં ઇમરાન ખાનના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે.

અહીં મુઝફ્ફરાબાદમાં ભારત વિરોધી રેલીઓ કાઢવામાં આવશે. આ રેલીઓમાં હિઝબુલના આતંકી બુરહાન વાની અને યાસીન મલિકના સમર્થનમાં નારા લગાવવામાં આવશે. પાકિસ્તાને અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે આર્ટિકલ ૩૭૦ની નાબુદી મુદ્દે આ વખતનો અમારો આઝાદી દિવસ કાશ્મીર એક જુટતા દિવસ તરીકે ઉજવવામાં આવશે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ૧૪મી ઓગસ્ટે પીઓકે પર આવી રહ્યા છે અને સરહદે આવે તેવી પણ શકયતાઓ છે. આ ઉપરાંત ૧૫મી ઓગસ્ટની ઉજવણી પણ નજીક આવી રહી છે. તેથી પુરી શકયતાઓ છે કે ઇમરાન ખાન જયારે પીઓકેમાં આવશે ત્યારે અને ૧૫મી ઓગસ્ટે પાકિસ્તાન સૈન્ય સરહદે તોપમારો કરી શકે છે. તેથી ભારતીય સૈન્યને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ભારતીય સૈન્ય પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું હતું કે અમે એલર્ટ છીએ, જો પાકિસ્તાન એલઓસી પર કોઇ પણ પ્રકારનો કાંકરી ચાળો કરશે તો અમે આકરો જવાબ આપીશું. કાશ્મીરીઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરીઓની સાથે અમારી વાતચીત જારી છે અને પહેલા જેવી જ સ્થિતિ છે અમે દરેક સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમને દરેક પ્રકારની મદદ માટે પણ ભારતીય સૈન્ય તૈયાર છે.

(1:26 pm IST)