Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ધરતીની કક્ષા છોડી-ચંદ્રના માર્ગે નીકળ્યું ચંદ્રયાન-રઃ ઇસરોને સફળતા : ૨૦ ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે

નવી દિલ્હીઃ ચંદ્રયાન ૨એ મંગળવારે રાત્રે ૨:૨૧ વાગ્યે ધરતીની કક્ષામાંથી બહાર નીકળીને ચંદ્ર તરફની સફર શરુ કરી દીધી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ટ્રાન્સ લુનર ઈન્જેકશન સફળતા સાથે પૂર્ણ કર્યું. આ દરમિયાન સ્પેસક્રાફ્ટનું લિકિવડ એન્જિન ૧,૨૦૩ સેકન્ડ માટે ફાયર કરવામાં આવ્યું જેમાં ૨૨ દિવસ સુધી ધરતીની કક્ષામાં રહ્યા પછી ચંદ્રયાન ૨ ચંદ્ર તરફ જઈ રહ્યું છે.

ચંદ્ર તરફ ચંદ્રયાન ૨ના સફર વિશે ISRO ચેરમેન કે સિવને જણાવ્યું, 'ચંદ્રયાન ૨ ચંદ્રના રસ્તે ૬ દિવસ સુધી ચાલશે અને ૪.૧ લાખ કિલોમીટરનું અંતર કાપીને ૨૦ ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે.' જણાવી દઈએ કે ચંદ્રથી ધરતીનું અંતર ૩.૮૪ લાખ કિલોમીટર છે. ચંદ્રયાન ૨ને ચંદ્રના રસ્તે મોકલવા માટે ઈસરોએ પહેલા ધરતીને ફરતે તેની ભ્રમણ કક્ષાને વધારે હતી જે બાદ આ તબક્કો ૬ ઓગસ્ટે પૂરો કરી લીધો હતો.

ચંદ્રની નજીક પહોંચીને ચંદ્રયાન ૨ની પ્રોપલ્શન સિસ્ટમ ફરી ફાયર થશે જેનાથી ક્રાફ્ટની ગતિ ધીમી થઈ જશે. જેથી તે ચંદ્રની પ્રારંભિક કક્ષામાં અટકી જશે. આ પછી ચંદ્રની ધરતીથી લગભગ ૧૦૦ કિલોમીટર ઊંચાઈ પર ચંદ્રયાન ૨ ચક્કર લગાવશે. સિવને જણાવ્યું કે, પ્રોપલ્શન સિસ્ટમની મદદથી ચંદ્રયાન ૨ની કક્ષાને ઘટાડવામાં આવશે. આ પછી લેન્ટર વિક્રમ ઓર્બિટથી અલગ થઈ જશે અને ચંદ્રની કક્ષામાં દાખલ થઈ જશે. લેન્ડરને ૬ સપ્ટેમ્બરે ૩૦ કિલોમીટરના અંતર પર પહોંચાડાવાની સાથે ચંદ્રની ધરતી પર ઉતારવાની શરુઆત કરાશે.

(10:05 am IST)