Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ચીનના કોઇપણ પ્રિન્ટીંગ પ્રેસમાં ભારતીય નોટ છાપવાના ઓર્ડર મળ્યાના સમાચાર પાયાવિહોણાઃ ભારતીય કરન્સી માત્ર ભારત સરકાર અને આરબીઆઇના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાય છેઃ નાણા મંત્રાલયના આર્થિક વિભાગના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગનો ખુલાસો

નવી દિલ્હીઃ ચીનમાં ભારતીય કરંસી છાપવાના સમાચાર વાયુ વેગે ફેલાઇ જતા સરકારે ખુલાસો આપવો પડ્યો છે. નાણા મંત્રાલયના આર્થિક મામલાના વિભાગના સચિવે આ મામલે સફાઇ આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે કરંસીનું છાપકામ ભારતમાં જ થાય છે. ઉલ્લેખનીય છે કે ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત, નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા, થાઇલેન્ડ સહિત અનેક દેશોની કરંસી ચીન સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં થાય છે.
નાણા મંત્રાલયના આર્થિક મામલાના વિભાગના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે નિવેદનમાં કહ્યું કે ચીનના કોઇપણ પ્રિન્ટિંગ પ્રેસમાં ભારતીય નોટ છાપવાના ઓર્ડર મળ્યાના સમાચાર પાયાવિહોણા છે. ભારતીય કરંસી નોટ માત્ર ભારત સરકાર અને આરબીઆઇની પ્રિન્ટિંગ પ્રેસમાં જ છાપવામાં આવે છે.

શું છે સમગ્ર મામલો ?
સોમવારે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારત, નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા,થાઇલેન્ડ સહિત અનેક દેશની કરંસી ચીન સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવશે. આ રિપોર્ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના કારણે ચીનમાં અન્ય દેશોના નોટ પ્રિન્ટિંગના વધતા વેપાર અને ત્યાંની અર્થવ્યવસ્થા પર થતા અસર પર સંબંધિત છે. જેમાં ભારતીય કરંસીની ચીનમાં છાપવાનો ઉલ્લેખ હતો. આ રિપોર્ટ આવ્યા બાદથી વિપક્ષે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

(6:24 pm IST)