Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભારતનાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજને 111 વર્ષ પૂરા: સાડીમાંથી બનાવ્યો હતો આ ધ્વજ:વિશ્વફલક પર ફરકાવ્યો હતો :વાંચો રસપ્રદ ઇતિહાસ

સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઇજી કામાએ સૌ પહેલો રાષ્ટ્રધ્વજ બનાવેલ જે 1907માં જર્મનીમાં એક કોન્ફરન્સમાં ફરકાવ્યો હતો.

રાજકોટ :દેશનો આઝાદી દિવસ,15મી ઓગષ્ટે તિરંગાને સલામી આપી લોકો રાષ્ટ્રગીત ગાશે ત્યારે આ રાષ્ટ્રધ્વજ  વિશેના ઇતિહાસને જાણવું રસપ્રદ રહેશે ભારતનો સૌ પ્રથમ તિરંગો કોણે બનાવ્યો હતો ? એ તિરંગો કેવો હતો ? સૌ પહેલા ક્યાં ફરકાવ્યો હતો ? આનો ઇતિહાસ રસપ્રદ અને યાદ રાખવા જેવો છે. આઝાદી પહેલા સૌ પ્રથમ વખત વિશ્વ ફલક પર ફરકાવવામાં આવેલા ભારતના રાષ્ટ્રધ્વજને આગામી 22મી ઓગષ્ટે 111 વર્ષ પુરા થશે. આ રાષ્ટ્રધ્વજ ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઇજી કામાએ ફ્રાંસમાં 1908માં તૈયાર કર્યો હતો. 

   1907માં જર્મનીમાં યોજાયેલા સમાજવાદીઓના (ઇન્ટરનેશનલ સોશિયલીસ્ટ કોન્ફરન્સ) સંમેલનમાં સરદારસિંહ રાણા અને માદામ ભીખાઇજી કામાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ અને ભારતનો સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ આ સંમેલનમાં ફરકાવવામાં આવ્યો હતો. આઝાદીની લડતની મહત્વની ઘટાનાની સ્મૃતિ સમા આ રાષ્ટ્રધ્વજને સરદારસિંહ રાણાના વંશજોએ સાચવીને રાખ્યો છે. ભારતની આઝાદીની લડતનું એક ઐતિહાસિક સ્મરણ છે 

   સરદારસિંહ રાણાના વંશજ ડો. સર્વદમનસિંહ રાણાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, “22 ઓગષ્ટ, 1907ના રોજ જર્મનીનાં સ્ટુટગાર્ડ શહેર ખાતે મળેલા આંતરરાસ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સરદારસિંહ રાણા તથા માદામ ભિખાઈજી કામા દ્વારા ભારતનો સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સમયે ભારત દેશ અંગ્રેજ હકુમત નીચે હતુ. ભારતનો કોઇ રાષ્ટ્રધ્વજ નહોતો. પણ જર્મનીમાં યોજાનાર સમાજવાદીઓની કોન્ફરન્સમાં હાજરી આપનાર દરેક પ્રતિનિધિઓએ તેમના દેશનો રાષ્ટ્રધ્વજ લઇને હાજરી આપવી એમ સૂચના હતી. આથી, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઇજી કામાએ આ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી. આ રાષ્ટ્રધ્વજ માદામ ભીખાઇજી કામાની સાડીમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો." 

"  સરદારસિંહ રાણા અને તેમના સાથીઓ વિદેશમાં રહી અંગ્રેજો સામે લડત આપતા હોવાથી તેમના પર અંગ્રેજોની સતત વોચ રહેતી હતી. આથી, કોઇ પણ ભોગે જર્મનીમાં યોજાનાર આ સંમલેનમાં કોઇ એક વ્યક્તિ તો રાષ્ટ્રધ્વજ સાથે પહોંચે એ માટે આવા ત્રણ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા અને ત્રણ અલગ-અલગ વ્યક્તિ પાસે રાખવામાં આવ્યા. માદામ ભીખાઇજી કામાએ આ સંમેલનમાં સૌપ્રથમ વખત વિશ્વ ફલક ઉપર ભારતના પ્રતિનિધિ રૂપે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને અંગ્રેજોની ભારતમાં શોષણનિતી સામે ભાષણ કર્યું. આ એક ઐતિહાસિક ઘડી હતી. આ ઘટનાને 22 ઓગષ્ટના રોજ 111 વર્ષ પૂરા થશે.” 

   સરદારસિંહ રાણાના પ્રપૌત્ર રાજેન્દ્રસિંહ રાણા ભાવનગરના પૂર્વ સંસદસભ્ય છે અને ભાવનગરમાં રહે છે. રાજેન્દ્રસિંહના પુત્ર સર્વદમનસિંહ રાણાએ વધુ વિગત આપતા જણાવ્યુ કે, “માદામ ભીખાઇજી કામીએ એ સમયે ત્રણ રાષ્ટ્રધ્વજ બનાવ્યા હતા. જેમાંથી બે રાષ્ટ્રધ્વજ હાલ ભારતમાં સચવાયા છે. એક ધ્વજ વીર સાવરકર ફ્રાન્સથી ભારત આવ્યા ત્યારે તેમની સાથે લાવ્યા હતા. અને હાલ તે પુનાના કેસરી મ્યુઝિયમમાં સંગ્રહાયેલો છે. બીજા ધ્વજ આઝાદી પછી 1947માં સરદારસિંહ રાણા ભારત આવ્યા ત્યારે તેમની સાથે લાવ્યા તે અમે સાચવીને રાખ્યો છે પણ ત્રીજો ધ્વજ માદામ ભીખાઇજી કામા ભારત આવ્યા ત્યારે તેમની સાથે લાવ્યા હતા પણ તે હાલ ક્યાં છે તેની ખબર નથી. 

   સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો. તેમના લગ્ન જામનગરના ભાંગડા ગામના સોનબા સાથે થયા હતા. પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવી આગળનું શિક્ષણ મેળવવા માટે રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા. સરદારસિંહ રાણા અને મહાત્મા ગાંધી એક જ વર્ગમાં ભણતા હતા. ગાંધીજી સરદારસિંહને તેમના હુલામણા નામ "સદુભા"થી બોલાવતા હતા. તેઓ બંને મિત્રો હતા. આ પછી, ઉચ્ચ અભ્યાસ રાણા મુંબઇ ત્યારબાદ પૂના ગયા. સરદારસિંહના જીવનમાં અહિંથી એક નવો વળાંક આવ્યો. 1895માં પૂનામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં સક્રિય ભાગ લીધી. લોકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનર્જી જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યાં. ક્રાંતિકારી પ્રવૃતિના બીજ અંહીથી વવાયા. 

   આ પછી સરદારસિંહ રાણા વધુ અભ્યાસ માટે લંડન ગયા અને બેરિસ્ટરની ડિગ્રી મેળવી. લંડનમાં તેઓ ભારતીય ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઇજી કામાના સંપર્કમાં આવ્યા. તેમણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. ભારતની આઝાદીની લડત લડતા ક્રાંતિકારીઓ માટેનું મોટુ ઠેકાણું બની ગયું. આ પછી સરદારસિંહ રાણા લંડનથી પેરિસ ગયાં. ભારતની આઝાદીની લડત દરમિયાન સરદારસિંહ રાણા, લેનિન, જવાહરલાલ નેહરુ, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંન્દ્ર બોઝ લાલા લજપતરાય જેવાં ક્રાતિકારી નેતાઓ સાથે સંપર્કમાં હતા. 

   સરદારસિંહ રાણા ઇન્ડિયા હોમ રૂલ સોસાયટીના વાઇસ-પ્રેસિડેન્ટ હતા અને પેરિસ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક સભ્ય હતા. ભારત આઝાદ થયા પછી ક્રાંતિકારી સરદારસિંહ રાણાને માદરે વતન લાવવા માટે 1947માં એક વિશેષ પ્લેન પેરિસ મોકલ્યુ હતું. ફાંસની સરકારે તેના સૌથી મોટા એવાર્ડ "ચેવેલિયર"થી સરદારસિંહ રાણાનું સન્માન કર્યુ હતુ. સરદારસિંહ રાણા 1955માં ભારત પરત ફર્યા અને 1957માં વેરાવળ ખાતે હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું. 

   સરદારસિંહ રાણા ઇન્ડિયા હોમ રૂલ સોસાયટીના વાઇસ-પ્રેસિડેન્ટ હતા અને પેરિસ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક સભ્ય હતા. ભારત આઝાદ થયા પછી ક્રાંતિકારી સરદારસિંહ રાણાને માદરે વતન લાવવા માટે 1947માં એક વિશેષ પ્લેન પેરિસ મોકલ્યુ હતું. ફાંસની સરકારે તેના સૌથી મોટા એવાર્ડ "ચેવેલિયર"થી સરદારસિંહ રાણાનું સન્માન કર્યુ હતુ. સરદારસિંહ રાણા 1955માં ભારત પરત ફર્યા અને 1957માં વેરાવળ ખાતે હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું

 

(1:23 pm IST)