Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

૧૧ રાજ્યોમાં આયુષ્યમાન યોજના લાગુઃ કાલે PM કરશે એલાન

૧૦ કરોડ ગરીબ પરિવારોને ૫ લાખનું વાર્ષિક વીમા કવચ મળશેઃ ૧૦૦ હોસ્પીટલ સાથે પ્રારંભઃ ૨ ઓકટોબરથી દેશભરમાં અમલ

નવી દિલ્હી, તા. ૧૪ :. દસ કરોડ ગરીબ પરિવારોને ૫ લાખ રૂપિયાનો વાર્ષિક વિમો આપવાની પ્રસ્તાવિત યોજના નમો કેર એટલે કે આયુષ્માન ભારત - રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબી-એનએચપીએમ) ૧૫ ઓગષ્ટથી ૧૧ રાજ્યોના પસંદગી પામેલા જીલ્લાઓમાં લાગુ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લાલ કિલ્લા પરથી આની જાહેરાત કરશે. વડાપ્રધાન પોતાના ભાષણમાં જ આ યોજનાનું આગળનું સ્વરૂપ રજુ કરશે.

 

જે રાજ્યોમા નમો કેરની શરૂઆત કરવામાં આવશે. તેમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મણીપુર, આંધ્ર પ્રદેશ, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દમણ-દીવ સામેલ છે. આયુષ્યમાન ભારત મિશનના મુખ્ય અધિકારી ઈન્દુભુષણે જણાવ્યુ કે આ રાજ્યોના પસંદગી પામેલા જીલ્લાઓની લગભગ ૧૦૦ હોસ્પીટલો સાથે આ મિશન શરૂ કરી દેવામાં આવશે. આમા મોટાભાગની સરકારી હોસ્પીટલો છે.

મિશન શરૂ થઈ ગયા પછી તેમા બીજી હોસ્પીટલોને પણ જોડવામાં આવશે. એમણે કહ્યું કે અમારી ટીમો રાજ્યો સાથે સતત વાતચીત કરી રહી છે. અમને પુરી આશા છે કે બે ઓકટોબર પહેલા મોટા ભાગના રાજ્યોના બધા જીલ્લાઓમાં તેને શરૂ કરી દેવાશે. વડાપ્રધાનની જાહેરાત પછી એબી-એનએચપીએમના લાભાર્થીઓ આ ૧૦૦ હોસ્પીટલોમાં જઈને મફત ઈલાજ કરાવી શકશે.

આના માટે તેમણે મંત્રાલય તરફથી મોકલાયેલ પત્ર લઈને જવાનું રહેશે. જે લોકોને આવો પત્ર નથી મળ્યો પણ તેમનું નામ લાભાર્થીની યાદીમાં હોય તેઓ આધાર અથવા બીજા કોઈ સરકારી ઓળખકાર્ડ બતાવીને ઈલાજ કરાવી શકશે.

આ સ્કીમ લાવવાના કારણો

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના હેઠળ ફકત ૩૦ હજારની મર્યાદા હતી. આ સ્કીમ હેઠળ આવતા હોવા છતા પણ ગરીબ પરિવારોને પોતાના ખીસ્સામાંથી બહુ વધારે ખર્ચ કરવો પડતો હતો. સમયાંતરે આ સ્કીમનું મૂલ્યાંકન કરતા જાણવા મળ્યુ કે ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય લાભ તો મળ્યો પણ લોકોને પોતાનો ખર્ચ બહુ જ વધી જતો હતો એટલા માટે આ સ્કીમ સીમા વધારવાની જરૂર હતી.

૮ રાજ્યો સાથે હજી પણ એમઓયુ બાકી

કેન્દ્ર સરકાર ૧૧ રાજ્યોમાં ભલે એબી-એનએચપીએમ શરૂ કરી રહી હોય પરંતુ તેની તૈયારીઓ હજી સુધી પુરી નથી થઈ. દિલ્હી, પંજાબ, ઓરિસ્સા, તમિલનાડુ, તેલંગાણા, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર એમ ૮ રાજ્યોએ હજી સુધી કેન્દ્ર સરકાર સાથે કરાર નથી કર્યા. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવુ છે કે દિલ્હી અને ઓરિસ્સા સિવાયના રાજયો સાથે અંતિમ વાતચીત થઈ રહી છે. ટૂંક સમયમાં જ એમની સાથે કરાર થઈ જશે. ઓરિસ્સા એબ-એનએચપીએમની જગ્યાએ પોતાની યોજના શરૂ કરશે, જ્યારે દિલ્હી કોઈપણ જાતના કારણો જણાવ્યા વગર કરાર નથી કરી રહ્યું.(૨-૨)

(11:52 am IST)