Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કાલે પીએમ મોદી પાસેથી કઇ વાતો સાંભળવા માગે છે જનતા

મોદીને ૩૦ હજારથી વધુ સૂચનો મળ્યા : પીએમ ૫૦ જેટલા સૂચનોને સ્પીચમાં સામેલ કરશે

નવી દિલ્હી તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના ભાષણ માટે લોકો પાસે સૂચનો મંગાવ્યા હતા. તેમની આ પહેલ પર દેશના તમામ ભાગોમાંથી સૂચનો અને માગ પત્રોની ભરમાળ થઈ ગઈ. અત્યાર સુધી લગભગ ૩૦ હજારથી વધુ સૂચનો પીએમઓને મળ્યા છે. લોકો mygov.in વેબસાઈટપર સૂચન આપવા ઉપરાંત નમો એપ અને ઈ-મેલ દ્વારા પણ પોતાના સૂચનો મોકલી રહ્યા છે. સૂત્રો મુજબ, ગ્રામ્ય વિસ્તારમાંથી ૨ હજારથી વધુ પત્ર પણ પીએમઓને મળ્યા છે. સૂત્રો મુજબ, વડાપ્રધાન લગભગ ૫૦ સૂચનોની પસંદગી કરશે, જેનો ઉપયોગ તેમની સ્પીચમાં થશે.

પીએમને સૌથી વધુ સલાહ નોકરીઓને લઈને મળી છે. સુનીલ કુમારે પીએમ મોદીને અનામત પર કંઈક એવું કરવા કહ્યું છે, જેનાથી કોઈને અડચણ ન પડે. તો, શ્રણવ સિંહ કહે છે કે, સરકાર રિટાયર્મેન્ટની ઉંમર ૫૫ કરે, જેથી વધુમાં વધુ યુવાનોને નોકરીનો લાભ મળી શકે. તો, સુનીતા વર્માએ પીએમને લખ્યું છે કે, લોકો તેમની શેરીમાં જોર-જોરથી મ્યૂઝિક સાંભળે છે, જેના પર કાબુ લાવવા માટે પગલાં ભરે. તે ઉપરાંત લોકો પાકિસ્તાનને પાઠ ભણાવવાથી લઈને વિપક્ષી નેતાઓના કરપ્શન પર લાગેલા આરોપો પણ સાંભળવા ઈચ્છે છે.

તેના માટે ૩ અલગ-અલગ ટીમ કામ કરી રહી છે. સૂત્રો મુજબ, વડાપ્રધાન તેમાંથી લગભગ ૫૦ સૂચનોને પસંદ કરશે, જેનો ઉપયોગ તેમની સ્પીચમાં થશે. પીએમ મોદી તેમાં આયુષ્માન ભારત શરૂ થવાની તારીખની પણ જાહેરાત કરી શકે છે, જેમાં દરેક પરિવારને ૫ લાખ રૂપિયાનો મફત હેલ્થ ઈન્શ્યોરન્સ મળશે. તે ઉપરાંત પીએમ મોદી પોતાની સરકારનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરશે.(૨૧.૧૦)

(9:57 am IST)