Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યુવાનોમાં ભયજનક હદે વધી રહ્યો છે ડ્રગ્સનો ક્રેઝ

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સના કિસ્સાઓમાં ભયજનક હદે વધારોઃ શાળા-કોલેજોમાં ચેકીંગ કરવું પડે તે હદ સુધી પહોંચ્યુ ડ્રગ્સનું વળગણ

અમદાવાદ તા. ૧૪ : ગુનાખોરી અને નશાબંધી મુદ્દે ગૃહરાજયમંત્રી પરદીપસિંહ જાડેજા અને રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજયમાં નશાબંધીનો કડક અમલ કરવા માટે રાજયવ્યાપી ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. જેમાં શિવાનંદ ઝાએ કહ્યું કે, આ મુદ્દે એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)ના માર્ગદર્શન હેઠળ SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) કાર્યવાહી કરશે. ડીજીપીએ કહ્યું કે, હાલમાં જ ગુજરાતમાં નશાયુકત પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે. આ માટે કોલેજ અને સ્કુલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી રાખવા માટેની ઝુંબેશ ચાલુ કરવામાં આવશે.

ડ્રગ્સનો કાળો ધંધો કરવાની સાથે તેના ઉપયોગમાં ગુજરાત પણ હવે ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો દ્વારા પાંચ વર્ષમાં રાજયના યુવાનોમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું હોવાનું માની રહ્યું છે. પહેલા કાશ્મીરથી મુંબઇ કે રાજસ્થાન થઇને ગુજરાત ડ્રગ્સ લવાતું અને અહીંથી કેરિયર મારફતે ડ્રગ્સ રીસીવરને સોંપાતુ હતું. હવે કેરિયર તરીકે નાઇઝીરીયનનો ઉપયોગ ગુજરાતમાં વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે યુવાઓ પાર્ટી કરવાનાં બહાને ગેરકાયદેસર ડ્રગ્સ ખરીદીને નશો કરી રહ્યા છે. જેમાં ગુજરાતનાં તમામ મોટા શહેરો મોખરે છે.

નાર્કોટિકસ વિભાગના અનુસાર અમદાવાદમાં સૌથી વધારે યુવાનો ડ્રગ્સનો ઉપયોગ કરે છે. જયારે વડોદરામાં ડ્રગ્સનું ચલણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. થોડા દિવસો અગાઉ જ નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના ડાયરેકટરે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સના કેસમાં અચાનક વધારો થઇ ગયો છે. જો કે મોટા ભાગના કિસ્સાઓમાં વિદેશી નાગરિકો કેરીયર તરીકે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં અચાનક ડ્રગ્સનું પ્રમાણ ચોંકાવનારી રીતે વધી રહ્યું છે. રાજયનાં તમામ મોટા શહેરોમાં યુવાનો ડ્રગ્સનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.(૨૧.૮)

 

(9:55 am IST)