Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વરસાદી સિસ્ટમ સક્રિય : ૧૬-૧૭ ઓગસ્ટે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ ૫૬ ટકા વરસાદ નોંધાયોઃ કચ્છ વિસ્તારમાં અત્યાર સુધી સરેરાશ ૧૨ ટકા વરસાદ નોંધાયો : ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ૨૯ ટકા જેટલો વરસાદ પડયો

નવી દિલ્હી તા. ૧૪ : બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ એટલે કે ૧૬મી અને ૧૭મી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. તેની સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આંકડાઓની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૫૬ ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદ તેમજ વાવણીની શરૂઆત મોડી થઈ હતી. વાવણી પછી દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો નથી. એવામાં ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત મોડી થઈ હતી એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી અનેક ગામડાઓ જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવણ થયું હતું. એવામાં હવે વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છ વિસ્તારમાં અત્યાર સુધી સરેરાશ ૧૨ ટકા વરસાદ નોંધાયો છે. ઉત્ત્।ર ગુજરાતમાં અત્યાર સુધી ૨૯ ટકા જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ ૬૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જયારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી  સૌથી વધારે સરેરાશ ૭૮ ટકા વરસાદ નોંધાયો છે.

આખા રાજયની વાત કરવામાં આવે તો સરેરાશ ૪૬૪ મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહિના પ્રમાણે વાત કરવામાં આવે તો જૂન ૨૦૧૮ દરમિયાન સરેરાશ ૬૮ મિલીમીટર, જુલાઈ ૨૦૧૮ દરમિયાન ૩૮૩ મિલીમીટર અને ઓગસ્ટ (૧૩ ઓગસ્ટ સુધી)માં ૧૪ મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે.(૨૧.૯)

 

(9:45 am IST)