Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રહેવાના મામલામાં પુણે દેશમાં સૌથી શ્રેષ્ઠ : સર્વે

પાટનગર દિલ્હી ટોપ ૫૦માં પણ સામેલ નથી : ઉત્તરપ્રદેશ અને તમિળનાડુના કોઇ શહેર ટોપટેનમાં નથી

નવીદિલ્હી, તા. ૧૩ : ભારતમાં રહેવા માટેની યાદીમાં પુણે પ્રથમ સ્થાન ઉપર છે જ્યારે પાટનગર દિલ્હી ટોપ ૫૦માંથી પણ બહાર છે. આજે દેશમાં રહેવાના મામલામાં સારા શહેરોની યાદી જારી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી યાદીમાં ૬૫માં સ્થાન ઉપર છે. કેન્દ્રીય શહેરી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ બીજા અને ત્રીજા સ્થાન ઉપર છે. રહેવા લાયક ટોપટેન શહેરોમાં મહારાષ્ટ્રના ત્રણ શહેરો સામેલ છે. ઉત્તરપ્રદેશ અને તમિળનાડુના કોઇપણ શહેર આ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. ૧૧૧ મોટા શહેરોના સંદર્ભમાં યાદી જારી કરવામાં આવી છે. દિલ્હી ખુબ જ પાછળ છે. આ વર્ષે દિલ્હીમાં વાયુપ્રદૂષણને લઇને ભારે હોબાળો રહ્યો હતો. ટોપટેન શહેરોમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પાટનગરોને સ્થાન મળ્યું છે. રામપુર આ યાદીમાં અંતિમ સ્થાન પર છે. ટોપ ૧૦ શહેરોની યાદીમાં ચોથા નંબરે તિરુપતિ, પાંચમાં નંબરે ચંદીગઢ, છઠ્ઠા નંબરે થાણે અને સાતમાં નંબરે રાયપુર છે. આઠમાં નંબરે ઇન્દોર, નવમાં નંબરે વિજયવાડા અને ૧૦માં નંબરે ભોપાલ છે. દેશના ૧૧૧ શહેરોને આવરી લઇને આ સર્વે કરવામાં આવ્યા બાદ વિગત જારી કરવામાં આવી છે. શાસન, સામાજિક સંસ્થાઓ, આર્થિક અને ભૌગોલિક રચનાના આધાર પર આ યાદી તૈયાર કરાઈ છે. ચેન્નાઈ ૧૪માં અને દિલ્હી ૬૫માં સ્થાને છે. હાવડા, ન્યુટાઉન કોલકાતા, દુર્ગાપુર દ્વારા આ સર્વેમાં હિસ્સો લેવાનો ઇન્કાર કર્યો હતો. ૧૦૦ પોઇન્ટના આધાર પર ૧૫ કેટેગરી અને ૭૮ માપદંડ અપનાવવામાં આવ્યા હતા. સૌથી વધારે નંબર ફિઝિકલ પેરામીટરના હતા.

(9:10 am IST)